સોમવાર, 29 જુલાઈ, 2024

સાલેહજી પીર ( રહ ) અને ઇસ્માઇલ પીર ( રહ )

 સાલેહજી પીર (રહ.) લાજપુરનાં એક સીધા-સાદા બુઝુર્ગ હતાં. અલ્લાહપાકે આપને વિલાયત અતા ફરમાવી હતી એ વાત વર્ષો સુધી કોઈની જાણમાં આવી નહીં. આપ મજઝૂબ હતાં એ કારણે આપ આ ભેદ છૂપાવી શક્યાં હતાં. પરંતુ પાછળથી આપની કેટલીક કરામતો જાહેર થઈ જવાથી લોકોને આ વાતની જાણ  થઈ

એકવાર નવાબ સાહેબનો હાથી કાદવમાં ખૂંપી બેસી ગયો. નવાબ સાહેબે ઘણાં લોકોની મદદ વડે તેને ઊઠાડવા અને બહાર કાઢવા અનેક પ્રયત્નો કર્યાં. પરંતુ હાથી ટસથી મસ થયો નહીં. છેવટે સાલેહજી પીરને શોધી મંગાવ્યાં, નવાબ સાહેબનાં ઘણાં જ આગ્રહ કરવાથી સાલેહજી પીર હાથી પાસે આવ્યાં અને હાથીને સંબોધી કહ્યું:ભાઈ! હાથી ઊઠ ને ! શા માટે નવાબ સાહેબને પરેશાન કરે છે ? આ શબ્દો સાંભળતાની સાથે જ હાથી આપ મેળે ઊભો થઈ ગયો. અને ઘર તરફ ચાલવા લાગ્યો.

એકવાર સાલેહજી પીર કોઈ એક જગ્યાએથી પોતાનાં કામકાજથી ફારિંગ થઈ લાજપુર આવી રહ્યાં હતાં. રસ્તામાં નદી આવતી હતી. જેમાં ભરતી હોવાનાં કારણે પુષ્કળ પાણી હતું. જેથી ઉતરી શકાય તેમ ન હતું. હોડીવાળાએ પણ ઈન્કાર કર્યો કે હોડી સામે પાર જઈ શકે તેમ નથી. તો આપ પોતાનો રૂમાલ પાણી પર બિછાવી તેના પર બેસી ગયાં. અને સામે પાર જતાં રહ્યાં. હોડીવાળો તો જોતો જ રહી ગયો. ત્યાર બાદ હોડીવાળાને હિમ્મત આઆવતાં જો હંકારી તો વચ્ચે આવી ઉંધી વળી ગઈ અને તે ડુબી ગયો.

ઇસ્માઇલજી પીર ( રહ )

 ઈસ્માઈલજી પીર પણ લાજપૂરનાં એક પ્રખ્યાત વલી થઈ ગયાં છે. આપનો મઝાર લાજપૂરમાં તળાવ કિનારે આવેલો છે. જે વિસ્તાર આજે તકિયાના નામે  ઓળખાય છે. આપની પણ અનેક કરામતો મશહૂર છે. એકવાર આપ વરીઆવ (જી. સુરત) તશરીફ લઈ ગયાં હતાં. ત્યાં કોઈ મોલવી ઓહલા મસ્જિદમાં તકરીર ફરમાવી રહ્યાં હતાં. આપ પણ તે મજલિસમાં જઈ સાથે ગયા. થોડીવારે અચાનક ઊભા થઈ મસ્જિદની બહાર દોડી ગયાં. અને બહાર જઈ અંદર બેઠેલાં લોકોને । બૂમ પાડી કહ્યું કે ઉતાવળે મસ્જિદ ખાલી કરો. સૌ લોકો એકદમ ઉઠીને ભાગ્યાં. અને મસ્જિદની બહાર આવી ગયાં..આપે આવી હરકત શામાટે કરી ? એમ લોકો હજી પૂછે તે પહેલાં જ બધાંની અજાયબી વચ્ચે મસ્જિદનું મકાન કકડભૂસ થઈ જમીન પર તૂટી પડ્યું. અને સૌ બચી ગયાં.

એ જ ઈસ્માઈલજી પીર એકવાર એક મજલિસમાં (એક બાદશાહનું નામ લઈ) અચાનક બોલી ઉઠ્યાં કે આજે દિલ્હીમાં તેનો ઈન્તિકાલ થઈ ગયો. આ વાત જોતજોતામાં બધે ફેલાઈ ગઈ. એક માણસે એ વિષે નવાબ સાહેબને જાણ કરી તો નવાબ સાહેબે આપને બોલાવી મંગાવ્યાં. અને આવી રીતે એક બાદશાહ વિષે વજૂદ વગરની વાત કરવા માટે આપને કેદમાં પૂરી દીધાં. બે-ચાર દિવસ થયાં કે આપે જે બાદશાહ વિષે ખબર આપી હતી તે જ બાદશાહની વફાતનાં સમાયાર આવી પહોંચ્યા. જેમાં બાદશાહનાં મરણ વિષે તે જ દિવસ અને સમયનો ઉલ્લેખ હતો જે દિવસે અને સમયે આપે તેનાં ઈન્તિકાલની ખબર આપી હતી. ખબર આવતાં જ નવાબ સાહેબે આપને છોડી મૂક્યાં.

ખમ્સા પીર ( રહ ) 

લાજપૂરનાં વલીઓનો ઈતિહાસ જાણતી વખતે લાજપૂરનાં જૂનાં કબ્રસ્તાનમાં આવેલી ખમ્સા પીરનાં નામે એળખાતી કબરોની હકીકત જાણી લેવી જરૂર રસપ્રદ લેખાશે.

કહેવાય છે કે નવસારીમાં એકવાર મુસ્લિમો અને ગેરમઝહબી લોકો વચ્ચે ઝઘડો થયો. વાત મારામારી સુધી પહોંચી ગઈ. મુસલમાનો એમાં ખૂબ પીટાયા. અલ્લાહનાં એક નેક બંદાએ દુઆ માંગી કે, યા અલ્લાહ ! અમારી મદદ ફરમાવ. રાત્રે તે દુઆ કરનારને ખ્વાબમાં રસૂલે પાક (સલ.) ના દીદાર નસીબ થયાં. અને ચૌદ (૧૪) માણસોનાં નામ બતાવી આપ (સલ.) એ ફરમાવ્યું કે તમે તમારી જમાઅતમાં આ યૌદ બુઝુર્ગોને શામિલ કરો તો તમારી જીત નક્કી જ છે. સવારે એ ચૌદ બુઝુર્ગોને શોધી જમાઅતમાં શામિલ કરવામાં આવ્યાં. એમનાં શામિલ થવાથી અલ્લાહપાકનાં ફઝલો કરમથી મુસલમાનો ફતેહયાબ થયાં. પરંતુ આ લડાઈમાં આ ચૌદ બુઝુર્ગો શહીદ થઈ ગયાં. તેમની ગરદનો તેમનાં ઘડથી કપાઈને છૂટી પડી ગઈ. પણ લોકોની અજાયબી વચ્ચે આ બુઝુર્ગોનાં ઘડો ચાલવા લાગ્યાં. જેમાંનાં પાંચ ઘડો ચાલતાં ચાલતાં લાજપુર આવ્યાં અને થોભી ગયાં. જે લાજપુરનાં કબસ્તાનમાં દફન કરવામાં આવ્યાં. અને આજે તે કબરો ખમ્સા પીરના નામે ઓળખાય છે. જ્યારે બાકીનાં નવ ઘડો ચાલતાં ચાલતાં સૂરત પહોંચી ગયાં. જે સૂરતમાં દફન થયાં અને આજે તે જગ્યા 'નવ શહીદ'નાં નામે ઓળખાય છે

હજરત મીર ફકીરુલ્લાહ (રહ )

 આપ એક જય્યિદ આલિમ અને પરહેઝગાર નેક બુઝુર્ગ હતાં. સચીન સ્ટેટનાં કાઝિયુલ કૂઝાત (ચીફ જજ) અને નવાબ સાહેબનાં દામાદ પણ હતાં. આપ લાજપુરનાં મહાન બુઝુર્ગ હઝરત શાહ સુલેમાન સૂફી સાહેબ (રહ.) તથા સૈયદ તાહા (રહ.) ના ઉસ્તાદ પણ થાય છે. આપની વફાતની તારીખ અને ઝિન્દગી. મુબારકના બીજાં હાલાત મળી શક્યાં નથી



લાજપોરના મહાન બુજુર્ગ અને ઉલમાએ કિરામ

 અલ્લાહતઆલાની બેશુમાર તારીફ અને રસુલે પાક ( સલ. ) તથા આપની આલ અને આપના અસહાબ પર બેશુમાર દરુદો સલામ પછી.

લાજપોરના મહાન વલીઓ તેમજ બુજુર્ગોના આગમન તથા તેમની બરકતોથી જેમ અલ્લાહપાકે લાજપુરવાસીઓને ઇસ્લામની દોલત અતા ફરમાવી છે તેમ અલ્લાહ પાકે લાજપોરના કેટલાક બુજુર્ગોને વિલાયત પણ અપ્રણ કરી છે જેમા સુફી સાહબ ( રહ ) તો જગ વિખ્યાત છે જ પરંતુ આપ સીવાય બીજા કેટલાક વલીઓ અને આલિમો પણ થયા છે જેમના જીવન ચરિત્ર પર નજર નાખતા ચાલીએ

લાજપોર સુન્ની વોહરા મુસ્લિમની વસ્તી ધરાવતો એક અગત્ય અને મહત્વનો કસ્બો છે પહેલા વરસો સુધી એ સચીન સ્ટેટની રાજધાની અને તેના નવાબનુ રેહઠાળ રહી ચુકયુ હોવાના કારણે એની ઐતીહાસિક વિગતો જાણવા માટે આપણે સચીન સ્ટેટના મુસ્લીમ હાકીમો અને નવાબોનો ઇતીહાસ પણ અચુક જાણવો પડશે મોરક્કો ( મરાકશ ) ના સીદી અરબોમાના એક અરબે આવી મુંબઇ પાસે ઝંજીરા નામી એક ટાપુ પર કબ્જો જમાવ્યો હતો. જ્યારે તેના મરણ પછી યુસુફઅલી ખાન નામનો એક વંશજ ( પુત્ર ) ઝન્જીરાની ગાદી પર બિરાજમાન થયો ત્યારે તેણે એ દરમિયાન એક બાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યા જેના પેટથી એક પુત્ર અવતયો. જેનુ નામ ઇબરાહીમ ખાન રાખવામા આવ્યુ . એ સિવાય યુસુફઅલી ખાનને તેની બીજી એક પત્નીના પેટથી પણ એક પુત્ર હતો બાપના મરણ પછી આ બન્ને ભાઇઓ વચ્ચે પોતાના હાથમા સત્તા લેવા માટે ઘષર્ણ ઉપસ્થિત થયુ. બે ભાઇઓ એક બીજાના શત્રુ બની ગયા . અને પરિણામે ઇબ્રાહીમ ખાનને ઝંજીરા છોડી નાસી જવુ પડયુ

તે સમયે પુનામા બાજીરાવ પેશવાનૂ રાજય હતુ. ઇબ્રાહીમ ખાને બાજીરાવ પેશવા પાસે મદદ માંગી . પરંતુ બાજીરાવ પેશવા નુ લશ્કર તે સમયે હોલંકર સિંદે સાથે લદાઇમા રોકાયેલુ હોવાના કારણે બાજીરાવ મદદ આપી શકયો નહી. અને ઇબ્રાહીમ ખાન પુનામા બાજીરાવના આસરા હેઠળ દિવસો વીતાવવા લાગ્યો . પરંતુ બાજીરાવ પેશવાના લશ્કરમા મોટાભાગે અરબ સિપાહીઓ હોવાના કારણે ઇબ્રાહિમ ખાન ત્યા થતા કેટલાક બિનમુસ્લિમ રીત-રીવાજો જોઇ શકયો નહી. અને તેને બંધ કરાવવા પાછળ મંડી પડયો. આ બનાવથી બાજીરાવ તેનાં પર ગુસ્સે થયો. પરંતુ તેની વઝીર ઘણો જ ચાલાક અને હોશિયાર હતો. તેણે વિચાર્યું કે, અરબો જો ઉરશ્કેરાય જો અને ખુદ બાજીરાવની સામે બંડ પોકારશે તો રાજ્ય ભયમાં મૂકાઈ જશે. અને થયું પણ એમ જ. કે ઈબ્રાહીમ ખાને ઉઠાવેલા વિરોધની અરબોને જાણ થતાં લશ્કરમાં ખળભળાટ થવા માંડયો. હવે એક બાજુ બાજીરાવ હોલંકર સિંદે સાથે લડાઈમાં રોકાયેલો હતો. જયારે

બીજી બાજુ અંગ્રેજ લશ્કરનો ગવર્નર જનરલ માર્કવિસ વેલેસ્લી તકનો લાભ લઈ પૂનાનું રાજય પચાવી પાડવા તૈયાર જ બેઠો હતો. ત્યાં તો આ ત્રીજી સમસ્યા ઊભી થઈ. અને ઈબ્રાહીમ ખાન બાજીરાવનાં માથાનો દુઃખાવો બની ગયો. તો તેણે તેનાં વજીરના સાથે મસલત કરી વજીરનાં સલાહ-સૂચનથી પોતાનાં રાજ્યને અંગ્રેજનાં હાથમાં જતું બચાવવા અને અરબ સિપાહીઓને શાંત પાડવા ઈબ્રાહીમ ખાનને એકવીસ ગામોની 'સચીન સિયાસત' આપી દીધી, અને સ.ઈ. ૧૮૦૨ માં ઈબ્રાહીમ ખાને રાચીન આવી રિયાસતનો કબ્જો સંભાળી લીધો.

આ સમયે લાજપુર એક અનોખી શાન ધરાવતો મુસ્લિમ કસ્બો હતો. દીની તાલીમ તરફ લોકોનું આકર્ષણ વધારે હતું. શિક્ષણ અને કેળવણીની સુંદર વ્યવસ્થા હતી. જેથી ઈબ્રાહીમ ખાન લાજપૂર તરફ આકર્ષાયા. અને સચીન આવ્યાંને ઠીક આઠ વર્ષ પછી ઈ.સ. ૧૮૧૦ માં લાજપૂરમાં એક (નાના કિલ્લા સમાન) કોઠી બાંધી. જે આજે પણ 'વાડી' ના નામથી ઓળખાય છે. ત્યાર પછી લાજપૂરનું સ્વચ્છ અને ઈલ્મી વાતાવરણ નવાબ સાહેબને ગમી જતાં પોતાનાં કુટુંબ-કબીલા સાથે સચીન છોડી લાજપૂર આવી ગયાં. અને લાજપુરને રહેઠાણ તથા સચીન સ્ટેટનું પાટનગર બનાવ્યું. આમ લાજપૂરનો ધીમે ધીમે વિકાસ થતો ગયો.
એ દરમિયાન નવાબ સાહેબ સાથે સગપણનાં સંબંધે જોડાયેલા હોવાનાં કારણે ભરૂચથી એક શરીફ સૈયદ બુઝુર્ગ હઝરત મીર ફકીરુલ્લાહ (નવાબના જમાઈ) નામનાં માણસે લાજપૂર આવી વસવાટ કર્યો. તેમનાં આગમનથી લાજપૂરનાં મુસલમાનોમાં નવચેતન રેડાયું. લાજપૂરના ભાગ્યનો સિતારો ઝળહળી ઉઠ્યો. અને ઠેર ઠેર દીન-ઈમાનનાં ખૂબસૂરત સુગંધિત ફૂલો ખીલી ઉઠ્યાં. આ મહાન વ્યકિત આલિમ હોવા ઉપરાંત ફારસીનાં એક અજોડ અભ્યાસી પણ હતાં. તેમનાં આગમનથી લાજપૂરનાં મુસલમાનોને ઘણો જ ફૈઝ હાસિલ થયો. હઝરત શાહ સુલેમાન સૂફી સાહેબ અને હઝરત સૈયદ તાહા સાહેબ બંને આ જ બુઝુર્ગનાં શાગિર્દો છે.આમ લાજપૂર અનેક ઐતિહાસિક મહત્તા ધરાવતો એક સુંદર અને રસાળ કસ્બો છે. ઈતિહાસમાં કેટલાંક ઠેકાણે એ રાજપુર લખાયું છે. પરંતુ મોગલ શહેનશાહ જહાંગીરે અહીંનાં એક સૈયદ કુટુંબને કરી આપેલાં ફારસી દસ્તાવેજમાં એ લાજપુરનાં નામથી સંબોધાયું છે. એટલે એનું ખરૂં નામ 'લાજપૂર' હોવાનું સાબિત થાય છે.
હવે આવીએ આપણે આપણા ગામનાં મહાન વલીઓ અને મહાન આલિમો તરફ