સાલેહજી પીર (રહ.) લાજપુરનાં એક સીધા-સાદા બુઝુર્ગ હતાં. અલ્લાહપાકે આપને વિલાયત અતા ફરમાવી હતી એ વાત વર્ષો સુધી કોઈની જાણમાં આવી નહીં. આપ મજઝૂબ હતાં એ કારણે આપ આ ભેદ છૂપાવી શક્યાં હતાં. પરંતુ પાછળથી આપની કેટલીક કરામતો જાહેર થઈ જવાથી લોકોને આ વાતની જાણ થઈ
એકવાર નવાબ સાહેબનો હાથી કાદવમાં ખૂંપી બેસી ગયો. નવાબ સાહેબે ઘણાં લોકોની મદદ વડે તેને ઊઠાડવા અને બહાર કાઢવા અનેક પ્રયત્નો કર્યાં. પરંતુ હાથી ટસથી મસ થયો નહીં. છેવટે સાલેહજી પીરને શોધી મંગાવ્યાં, નવાબ સાહેબનાં ઘણાં જ આગ્રહ કરવાથી સાલેહજી પીર હાથી પાસે આવ્યાં અને હાથીને સંબોધી કહ્યું:ભાઈ! હાથી ઊઠ ને ! શા માટે નવાબ સાહેબને પરેશાન કરે છે ? આ શબ્દો સાંભળતાની સાથે જ હાથી આપ મેળે ઊભો થઈ ગયો. અને ઘર તરફ ચાલવા લાગ્યો.
એકવાર સાલેહજી પીર કોઈ એક જગ્યાએથી પોતાનાં કામકાજથી ફારિંગ થઈ લાજપુર આવી રહ્યાં હતાં. રસ્તામાં નદી આવતી હતી. જેમાં ભરતી હોવાનાં કારણે પુષ્કળ પાણી હતું. જેથી ઉતરી શકાય તેમ ન હતું. હોડીવાળાએ પણ ઈન્કાર કર્યો કે હોડી સામે પાર જઈ શકે તેમ નથી. તો આપ પોતાનો રૂમાલ પાણી પર બિછાવી તેના પર બેસી ગયાં. અને સામે પાર જતાં રહ્યાં. હોડીવાળો તો જોતો જ રહી ગયો. ત્યાર બાદ હોડીવાળાને હિમ્મત આઆવતાં જો હંકારી તો વચ્ચે આવી ઉંધી વળી ગઈ અને તે ડુબી ગયો.
ઇસ્માઇલજી પીર ( રહ )
ઈસ્માઈલજી પીર પણ લાજપૂરનાં એક પ્રખ્યાત વલી થઈ ગયાં છે. આપનો મઝાર લાજપૂરમાં તળાવ કિનારે આવેલો છે. જે વિસ્તાર આજે તકિયાના નામે ઓળખાય છે. આપની પણ અનેક કરામતો મશહૂર છે. એકવાર આપ વરીઆવ (જી. સુરત) તશરીફ લઈ ગયાં હતાં. ત્યાં કોઈ મોલવી ઓહલા મસ્જિદમાં તકરીર ફરમાવી રહ્યાં હતાં. આપ પણ તે મજલિસમાં જઈ સાથે ગયા. થોડીવારે અચાનક ઊભા થઈ મસ્જિદની બહાર દોડી ગયાં. અને બહાર જઈ અંદર બેઠેલાં લોકોને । બૂમ પાડી કહ્યું કે ઉતાવળે મસ્જિદ ખાલી કરો. સૌ લોકો એકદમ ઉઠીને ભાગ્યાં. અને મસ્જિદની બહાર આવી ગયાં..આપે આવી હરકત શામાટે કરી ? એમ લોકો હજી પૂછે તે પહેલાં જ બધાંની અજાયબી વચ્ચે મસ્જિદનું મકાન કકડભૂસ થઈ જમીન પર તૂટી પડ્યું. અને સૌ બચી ગયાં.
એ જ ઈસ્માઈલજી પીર એકવાર એક મજલિસમાં (એક બાદશાહનું નામ લઈ) અચાનક બોલી ઉઠ્યાં કે આજે દિલ્હીમાં તેનો ઈન્તિકાલ થઈ ગયો. આ વાત જોતજોતામાં બધે ફેલાઈ ગઈ. એક માણસે એ વિષે નવાબ સાહેબને જાણ કરી તો નવાબ સાહેબે આપને બોલાવી મંગાવ્યાં. અને આવી રીતે એક બાદશાહ વિષે વજૂદ વગરની વાત કરવા માટે આપને કેદમાં પૂરી દીધાં. બે-ચાર દિવસ થયાં કે આપે જે બાદશાહ વિષે ખબર આપી હતી તે જ બાદશાહની વફાતનાં સમાયાર આવી પહોંચ્યા. જેમાં બાદશાહનાં મરણ વિષે તે જ દિવસ અને સમયનો ઉલ્લેખ હતો જે દિવસે અને સમયે આપે તેનાં ઈન્તિકાલની ખબર આપી હતી. ખબર આવતાં જ નવાબ સાહેબે આપને છોડી મૂક્યાં.
ખમ્સા પીર ( રહ )
લાજપૂરનાં વલીઓનો ઈતિહાસ જાણતી વખતે લાજપૂરનાં જૂનાં કબ્રસ્તાનમાં આવેલી ખમ્સા પીરનાં નામે એળખાતી કબરોની હકીકત જાણી લેવી જરૂર રસપ્રદ લેખાશે.
હજરત મીર ફકીરુલ્લાહ (રહ )
આપ એક જય્યિદ આલિમ અને પરહેઝગાર નેક બુઝુર્ગ હતાં. સચીન સ્ટેટનાં કાઝિયુલ કૂઝાત (ચીફ જજ) અને નવાબ સાહેબનાં દામાદ પણ હતાં. આપ લાજપુરનાં મહાન બુઝુર્ગ હઝરત શાહ સુલેમાન સૂફી સાહેબ (રહ.) તથા સૈયદ તાહા (રહ.) ના ઉસ્તાદ પણ થાય છે. આપની વફાતની તારીખ અને ઝિન્દગી. મુબારકના બીજાં હાલાત મળી શક્યાં નથી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો