હાફિઝ મુહમ્મદ કાસૂજી (પાનખાવ) (રહ.)
આપનો જન્મ લાજપૂરમાં ઈ.સ. ૧૮૬૪ માં થયો હતો. આપ ઘણાં જ નેક, પરહેઝગાર અને સાદગી પસંદ બુઝુર્ગ હતાં. કહેવાય છે કે, આપનો મિઝાજ જરા ઉગ અને થોડો આકરો હતો. આપના ચેહરા પર હંમેશા જલાલ છવાયેલો રહેતો હતો. ખેતી કરી જીવન-નિર્વાહ કરતાં હતાં. આપે ચાર વાર હજ પઢી છે. લોકો બયાન કરે છે કે એકવાર આપ કેટલાંક ખોલવડવાસીઓ સાથે હજ માટે તશરીફ લઈ ગયાં. તે વખતે હરમ શરીફમાં કોઈ એક મોટા બુઝુર્ગ વલી તરીકે પ્રખ્યાત હતા. મોટી સંખ્યામાં લોકા દુર દુરથી આવી તેમની મુલાકાત અને દીદારથી મુશર્રફ થઈ રહ્યાં હતાં. ત્યાં સુધી કે, તે સમયનો બાદશાહ તથા વજીર પણ તેમની ખિદમતમાં આવી બેસતાં અને નસીહતો સાંભળતાં હતાં. જયારે આપને એ વિષે જાણ થઈ તો આપે મુરાકબો કરી ફરમાવ્યું કે 'ખરેખર તેઓ એક મહાન બુઝુર્ગ છે. જરૂર મુલાકાત કરવી જોઈએ' અને પછી આપ તેમની ખિદમતમાં તશરીફ લઈ ગયાં. અને સૌથી પાછળ એક ખુણામાં બેસી ગયાં. હરમ શરીફના બુઝુર્ગને આ વાતની તરત જ કફ્ફ વડે જાણ થઈ. એટલે તરત જ આપના નામ સાથે ફરમાવ્યું કે 'હાફિઝ મુહમ્મદ પાનખાવ લાજપુરવાળા અહીં તશરીફ લઈ આવો. આપની જગ્યા તો અહીં મારા પાસે છે' તો આપ તરત જ ઉઠી તેમનાં પાસે તશરીફ લઈ ગયાં. તે બુઝુર્ગ સાહેબે આપને ઈઝત સાથે તેમની જગ્યા પર બેસાડ્યાં. એ પછી બંને બુઝુર્ગો મુરાકબામાં ગરકાવ થઈ ગયાં. થોડીવાર પછી જ્યારે આપ ઈજાઝત લઈ રવાના થયાં તો હરમનાં બુઝુર્ગ સાહેબ આપને દુર સુધી છોડવા માટે પણ આવ્યાં. મુંબઈમાં એકવાર એક માણસનાં છોકરાનાં મોંનાં ઉપરનો અડધો ભાગ કોઈ બીમારીને લઈ પાકીને સાવ સડી ગયો. દરેક પ્રકારનો ઈલાજ અને અનેક જાતની દવા કરવા છતાં કોઈ ફાયદો થયો નહીં. એક દિવસ અચાનક તે માણસનો આપનાં કોઈ મુરીદથી ભેટો થઈ ગયો. આપ પણ તે સમયે મુંબઈમા જ હતાં. આપનાં મુરીદે તે માણસને આપની સેવામાં હાજર થઈ તેનાં છોકરાની બીમારી વિષે અરજ કરવાની સલાહ આપી. તે માણસ આપની સેવામાં હાજર થયો. અને પુરી હકીકત બયાન કરી. આપે તે માણસને મેંદી જેવા એક જાતનાં પાંદડાં લાવવા કહ્યું. તે માણસ લઈ આવ્યો તો આપે તેનાં પર દમ કરી ફરમાવ્યું કે આ પાંદડાંને વાટી રાત્રે છોકરાનાં મોં પર લગાડશો. બસ ! પછી અલ્લાહનું કામ છે. અલ્લાહ કરશે.આપનાં કહ્યાં પ્રમાણે પેલા માણસે અમલ કર્યો. સવારે ઉઠી જોયું તો તેનાં છોકરાનાં મોં પર બીમારીનું નામા-નીશાન સુધ્ધાં બાકી ન હતું. તરત જ તે માણસ ખુશીમાં દશ હજાર રૂપિયાની થેલી લઈ ભેટ ધરવા આપની સેવામાં હાજર થયો. અને અરજ કરી કે, હઝરત કબૂલ કરો ! આપ એકદમ જલાલમાં આવી ગયાં અને ગુસ્સામાં થેલી દુર ફેંકી દીધી. ત્યાં હાજર મુરીદોએ તરત જ પેલા ભાઈથી અરજ કરી કે, તમે તમારી થેલી લઈ જલ્દી અહીંથી ચાલ્યા જાઓ. ક્યાંક આપની ઝબાન મુબારકથી નીકળી જશે કે યા અલ્લાહ ! આ ભાઈનાં છોકરાનું મોં ફરી તેવું જ કરી દો જેવું પહેલાં હતું તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. એકવાર આપનાં દામાદ મૌલાના મુફ્તી મરગુબ અહમદ લાજપૂરી સાહેબ (રહ.) આપના ઘરે તશરીફ લઈ ગયાં. થોડીવાર બેસી જ્યારે જવા લાગ્યાં તો આપે ફરમાવ્યું કે મૌલાના આજે અહીં જ મારા સાથે ખાઈ લો. મૌલાનાએ ઈન્કાર કર્યો તો આપે ફરમાવ્યું કે 'મને ખબર છે. આજે તમારા ઘરે ખીર રાંધી છે. તમે થોડી ખાઈને પણ આવ્યાં છો. અને જઈને પાછા ખાવાનો ઈરાદો રાખો છો. એટલે અહીં ખાવાથી ઈન્કાર કરી રહ્યાં છો. મૌલાના મરગૂબ સાહેબ (રહ.) ફરમાવતાં હતાં કે આપને આ વિષે કફથી જાણ થઈ ગઈ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો