હજરત મોલાના લીયાકત અલી ( રહ )
આપ લાજપૂરનાં રહેવાસી નથી. પણ લાજપૂર સાથે આપને ગાઢ સંબંધ હતો. કારણ કે લાજપુરનું ઈલ્મી અને દીની વાતાવરણ ગમી જતાં આપે લાજપુરને જ પોતાનું વતન બનાવી લીધું હતું. માટે અહીં આપનાં જીવન પર એક આછી દૃષ્ટિ નાંખતા ચાલીએ તો એ અસ્થાને ન કહેવાશે. અસલમાં આપ ઉત્તર પ્રદેશમાં આવેલા ઈલાહાબાદ શહેરનાં એક સૈયદ ખાનદાનનાં આતિમ અને સાહિબે નિસ્બત બુઝુર્ગ હતાં. કહેવાય છે કે ઈ.સ. ૧૮૫૭ ની આઝાદીની લડતમાં આપ એક બહાદુર મુજાહિંદ અને સિપાહી તરીકે શરીક હતાં. જેથી મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરે આપની બહાદુરી દેખી આપને ઈલાહાબાદનાં ગવર્નર બનાવ્યાં હતાં. પરંતુ થોડા વખત પછી જયારે મિલ નામનાં એક અંગ્રેજ લેફટન્ટે ઈલાહાબાદ પર બીજીવાર જોરદાર હમલો કર્યો તો અંગ્રેજોનો મુકાબલો વ્યવસ્થિત રીતે ન થતાં અને પરાજય મળતાં આપને ઈલાહાબાદ છોડવા પર મજબૂર થવું પડ્યું. અંગ્રેજ સરકાર તરફથી લડાઈમાં ભાગ લેનારને પકડી પકડી કેદ કરવાનો સિલસિલો શરૂ થયો તો આપ ઈલાહાબાદથી છૂપાતાં છૂપાતાં ગુજરાત તરફ આવી નીકળ્યાં. અને સૌ પ્રથમ નવસારીમાં મુકામ કર્યો. અને આપનો તકવો તેમજ પરહેઝગારી જોઈ ટૂંક સમયમાં જ આપ નવસારી અને તેના આજુબાજુનાં વિસ્તારનાં મુસલમાનોની આંખોનો તારો બની ગયાં. કહેવાય છે કે એ દરમિયાન લાજપૂરથી એક બરાત શાદી અર્થે નવસારી ગઈ. આપથી લાજપુરવાસીઓની મુલાકાત થઈ. તો લાજપૂરવાસીઓએ આપને લાજપુર આવી રહેવા આગ્રહ કર્યો. મૌલાનાને પણ જાણ થતાં કે લાજપુર એક ઈસ્લામી હુકૂમતનું પાટનગર છે. અને ત્યાનું દીની વાતાવરણ ઘણું જ સારું છે. લાજપૂરવાસીઓની દાવત મંજૂર રાખી. અને લાજપુર તશરીફ લઈ આવ્યાં. અને આવતાં જ બજારમાં સૂફી સાહેબનાં ઘર આગળ એક ઈમાન અફરોઝ બયાન ફરમાવ્યું. આ તે સમય હતો જ્યારે સચીન સ્ટેટની ગાદી પર નવાબ અબ્દુલકરીમ ખાન (બીજા) બિરાજમાન હતાં. અને લાજપુરમાં જ રહેતાં હતાં. વળી નવાબ સાહેબ ઈલ્મપ્રેમી અને આલિમોનાં કદરદાન હતાં. જેથી મોટી સંખ્યામાં આલિમો અને બુઝુર્ગો તેમની મજલિસમાં હાજર રહેતાં હતાં. જેમાં સૂફી સાહેબ અગ્રસ્થાન ધરાવતાં હતાં. નવાબ અબ્દુલકરીમ ખાન તેમજ બીજાં લોકો આપનાં ૧૮૫૭ ના બળવામાં ભાગ લેવાની વાતથી અંજાણ હતાં. જેથી સચીન રિયાસત અને આમ પબ્લિક તરફથી આપનું માન-પાન સાથે શાહી સ્વાગત કરવામાં આવ્યું. આપ લાજપુરમાં રહેવા લાગ્યાં અને થોડો સમય થયો કે આપને પૂરો સંતોષ થતાં આપે આપનાં તમામ ઘરવાળાઓને પણ લાજપુર બોલાવી લીધાં. આપ અને સૂફી સાહેબ બંને મળી લાજપૂર તેમજ આસપાસનાં ગામોની ઈસ્લાહ પાછળ લાગી ગયાં. દરેક ક્ષેત્રે હુકૂમતનો પૂરો સાથ મળવા લાગ્યો. અમીરો અને ગરીબો બંને નમાઝ રોઝાનાં તથા શરીઅતનાં પાબંદ થવા લાગ્યાં આપ બંને હઝરાતની કોશિશોથી બીજો એક મોટો ફાયદો આ થયો કે તે સમયે લાજપુર તેમજ આસપાસનાં ગામોની મુસ્લિમ ઓરતોનો લિબાસ ગેમુસ્લિમો જેવો કુર્તી અને લેંઘો હતો. જે ઘણો જ ટૂંકો અને એબદાર હતો. તે દૂર થયો અને તેની જગ્યા પર મુસલમાન ઔરતાએ લાંબી અને પહોળી ઈજાર તથા ઢીલો કુરતો અપનાવ્યો. એ ઉપરાંત માથે સિરબંધ બાંધવાનો રિવાજ આમ થયો. આ રિવાજ ધીરે ધીરે આખા ગુજરાતનાં મુસ્લિમ સમાજમાં ફેલાયો. જે તે વખતનાં તમામ પ્રકારનાં લિબાસોમાં સતર છૂપાવવા અર્થે સૌથી ઉત્તમ હતો. પરંતુ અહીં પણ આપને ઈસ્લામનાં જિહાદ જેવા એક મહત્વપૂર્ણ અમલે ચેનથી બેસવા ન દીધાં. આપને ગુલામીનો કાળ મહામુસીબત સમાન લાગ્યો. અને તેને મિટાવવા રાત-દિવસ મહેનત કરવા લાગ્યાં. જેનાં અનુસંધાનમાં આપે લોકોની ઈસ્લાહનાં સાથે સાથે છૂપી રીતે હથિયારો બનાવવાનું કામ પણ આરંભી દીધું. અને લાજપૂર જુઆ મસ્જિદની પાછળ એક ગુપ્ત ભોંયરામાં હથિયારોનો એક મોટો જથ્થો ભેગો પણ કરી લીધો. ઈ.સ. ૧૮૬૮ માં નવાબ અબ્દુલકરીમનો ઈન્તિકાલ થતાં તેમનો પુત્ર મુહમ્મદ યાકૂત ખાન (બીજો) ગાદી પર આવ્યો તો ઈસ્લામી રોનકમાં ઓર પણ વધારો થયો. હુકૂમતનાં તમામ કાનૂનો અને કાઈદાઓ શરીઅતનાં આધારે ઘડવામાં આવ્યાં. અને તેનાં પર અમલ થવા લાગ્યો. આપ તથા સૂફી સાહેબની દેખરેખ હેઠળ સર્વે ચૂકાદાઓ શરીઅત મુજબ થવા લાગ્યાં. શરીઅતનાં હુકમ પ્રમાણે તમામ ગુનાહોની સજા નક્કી કરવામાં આવી. ગુનેહગારો, બદમાશો અને નશાબાજોને જાહેરમાં કોરડાનાં ફટકા લાગવા લાગ્યાં. રાત્રે નવાબ સાહેબનાં દરબારમાં ઈલ્મી મજલિસો કાયમ થવા લાગી. અને સચીન સ્ટેટ જોતજોતામાં એક ઈસ્લામી હુકૂમત બની ગયું. લોકોને એહસાસ થવા લાગ્યો કે જાણે વરસો પછી ખુલફાએ રાશિદીનનાં યુગ જેવી ઈસ્લામી હુકુમતનો ઉદય થયો. પરંતુ કેટલાંક હસદ કરનારાં બદમાશો અને મુનાફિકોથી આ જોવાયું નહીં. તેમનાં પેટમાં દુઃખવા અને આંખોમાં કાંટાઓ માફક ખટકવા લાગ્યું. તરત જ વરસો પછી સચીન સ્ટેટની સરજમીન પર આવેલી આ ઈસ્લામી બહારને પાનખરમાં ફેરવી નાંખવાનાં પ્રયત્નો આરંભી દીધાં. તથા અહકામે શરીઅતનાં ખીલેલાં રંગીન ફૂલોને કચડી નાંખવાની ફિકરમાં લાગી ગયાં. એ દરમિયાન મૌલાના વિષે આ બદમાશોને કયાંકથી પત્તો મળી ગયો કે આપ પણ ૧૮૫૭ નાં બળવામાં અંગ્રજ વિરુદ્ધ શરીક હતાં. બસ આ ચુગલખોરોએ સરકારી માણસોનાં કાન ભરવા શરૂ કર્યા. નવાબ સાહેબનાં કાન સુધી વાત પહોંડવામાં આવી. શરૂ શરૂમાં નવાબ સાહબે એ પ્રત્યે લક્ષ આપ્યું નહીં. પરંતુ આ સળગતાં વતાવરણમાં બીજો એક બનાવ બન્યો જેને લઈ બળતામાં ઘી હોમાયું અને આપને લાજપુર છોડવા પર મજબૂર થવું પડ્યું. બન્યું એવું કે નવાબ સાહેબ જે સચીનથી શાહી દબદબા સાથે બંને ઈદની નમાઝ માટે સમયસર લાજપૂર ઈદગાહમાં આવતાં હતાં એકવાર કોઈ કારણસર સમય પર ન આવી શકયાં. લોકો ઇન્તિજાર કરવા લાગ્યાં. જ્યારે નમાઝનાં નક્કી કરેલા સમયથી વધારે સમય વીતી ગયો અને નવાબ સાહેબનાં આવવાનાં કોઈ અણસાર ન જણાયાં તો ઈદગાહમાં હાજર લોકો ઊંચા-નીચા થવા લાગ્યાં. અને શોર-બકોર વધી ગયો. ત્યારે કેટલાંક ગામવાસીઓનાં આગ્રહને વશ થઈ મૌલાનાએ ઈદની નમાઝ પઢાવી લીધી, આપ નમાઝથી ફારિંગ થઈ હજી ખુત્બામાં જ હતાં કે દુરથી નવાબ સાહેબની સવારી આવતી જણાઈ. નવાબ સાહેબનાં કેટલાંક જી હજુરિયા સામે દોડી ગયાં. અને જૂઠી વાતો બનાવી નવાબ સાહેબનાં કાન ભરી ઉશ્કેરી દીધાં. જેથી નવાબ સાહેબ ગુસ્સામાં રસ્તેથી જ પાછા ફરી સચીન ચાલ્યાં ગયાં અને સચીન જઈ ઈદની નમાઝ અદા કરી. આમ એક નજીવી વાતમાં નવાબ સાહેબ અને મૌલાના વચ્ચે દુશ્મનીનાં બીજ રોપાયા. આપનાં માટે રાત-દિવસ વાતાવરણ તંગ થવા લાગ્યું. અંગ્રેજ સરકારને પણ આપ વિષે ભાળ મળી ગઈ અને આપને વાતાવરણ વધારે શંકાશીલ લાગ્યું તો એક રાત્રે ચુપચાપ લાજપુર છોડી વડોદરા ચાલ્યાં ગયાં. પાછળથી ત્યાં પણ વાતાવરણ શંકાશીલ બનતાં આપ મક્કામુકર્રમા જવાના ઈરાદાથી વડોદરા છોડી છૂપી રીતે મુંબઈ આવી ગયાં. આ તરફ આપની શોધખોળ ચાલુ થઈ ગઈ હતી. ઠેર ઠેર છાપાઓ મારી તલાશી લેવાઈ રહી હતી. કોઈ રીતે અંગ્રેજ સરકારને પાકી બાતમી મળી જતાં આપને મુંબઈથી પકડી લેવામાં આવ્યાં. આપને સચીન લાવવામાં આવ્યાં. અને સરકારી કાર્યવાહી પુરી કરી આપને ઈલાહાબાદ લઈ જવામાં આવ્યાં. ત્યાં આપનાં ઉપર કેસ ચલાવવામાં આવ્યો. અને સજા અર્થે આપને કાળાપાણી (અંદામાન) મોકલી દેવામાં આવ્યાં. ત્યાં જ આપનો ઇન્તિકાલ થયો. અને પોર્ટબ્લેર નામી જગ્યાએ દફન થયાં. આપની કબર આજે પણ પાકી હાલતમાં ત્યાં મોજૂદ હોવાનું કહેવાય છે. આ તરફ સૂફી સાહેબ રૂપોશ થઈ ગયાં તો આપનાં તમામ ઘરવાળાને પકડી જેલમાં પુરી દેવામાં આવ્યાં. જેથી આપ પોતે હાજર થઈ ગયાં. આપને સૂરતનાં કિલ્લામાં નજરકેદ કરી દેવામાં આવ્યાં. જ્યાં આપનાં ઉપર ત્રાસ પણ ગુજારવામાં આય્વો આપ જેલ વિષે ફરમાવતાં હતાં કે આ કેદ થવા દરમિયાન મને ઘણું જાણવાનું તથા શીખવાનું મળ્યું. મારિફતની હું ઘણી મંઝિલો વટાવી ગયો. કેદ તો શું હતી બલકે અલ્લાહપાક તરફથીછો મહીનાનો ચિલ્લો હતો. જેનાં એકાંતમાં દુનિયા અને દુશ્મનોનાં કાંટાઓથી દૂર રાખી અલ્લાહતઆલાએ મને મારફિતનાં ફૂલો અને હકીકતનાં ફળોથી માલામાલ કરી દીધો. છ મહીના નજરકેદ રાખી જ્યારે આપને છોડવામાં આવ્યાં તો આપ સીધા મક્કા મુકરમા જવા રવાના થઈ ગયા. આપ પોતે ફરમાવે છે કે,જ્યારે હરમશરીફની હદ શરૂ થઈ તો હું ઊંટ પરથી નીચે ઉતરી પડ્યો.અને મેં પગપાળા ચાલવાનું શરૂ કર્યું. જ્યારે દરબારે ઈલાહીમાં પહોંચ્યો તો કાબા શરીફ પર મારી નજર પડતાં જ મારા હોશ ઉડી ગયાં. અને અલ્લાહતઆલાની તજલ્લીની હૈબત મારા ઉપર કંઈ એવી છવાઈ ગઈ કે, હું ત્યાં જ બેસી ગયો.છેવટે કંઈ જ સમજ ન પડી તો આખી રાત એક જ જગ્યાએ બેસી રહ્યો. આખી રાત મારા સાથીઓ મને શોધતાં રહ્યાં. જ્યારે સવાર થઈ ત્યારે મારાં સાથીઓને ખબર થતાં મારાં પાસે આવ્યા અને હાથ પકડી ઉઠાડ્યો અને તવાફ કરાવ્યો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો