મંગળવાર, 30 જુલાઈ, 2024

હજરત શાહ સુલેમાન સુફી સાહબ ( રહ )

 આપનો જન્મ લાજપુરમાં જ આજથી લગભગ બસો વરસ પહેલાં થયો હતો. આપ હઝરત મૌલાના શાહ નિઝામુદ્દીન (રહ.) તથા હઝરત મૌલાના ફઝ્લે રહમાન ગંજમુરાદાબાદી (રહ.) નાં મોટા ખલીફાઓમાંથી એક હતાં. એ સિવાય હું આપને હઝરત શેખ મુહમ્મદ માસૂમ મુજદ્દિદી (રહ.), હઝરત મૌલાના ઉમર સાહેબ (રહ.) [જે હઝરત શાહ અબુલખેર (રહ.)નાં વાલિદ સાહેબ થાય છે], હઝરત શેખ અબ્દુલવહ્વાબ તાઝી (રહ.), હઝરત શેખ અબ્દુલઅઝીઝ દબ્બાગ (રહ.) અને હકીમુલ ઉમ્મત હઝરત મૌલાના અશરફઅલી થાનવી (રહ.)થી મુલાકાત અને ફૈઝયાબ થવાનો શર્ફ હાસિલ હતો.આપનાં હાથ મુબારક પર અનેક કરામતો પણ જાહેર થઈ છે. જે હઝરત મૌલાના મરગૂબ સાહેબ (રહ.) એ ભેગી કરી હતી. જેનું વર્ણન આગળ આવી રહ્યું છે. અહીં કેવળ તે કરામતો જ બયાન કરવામાં આવે છે જે આગળ બયાન કરવામાં આવી નથી, બલકે પાછળથી ગામવાસીઓનાં કહેવાથી મને જાણવા મળી છે.

৭. મૌલાના ઈબ્રાહીમ ડાયા સાહેબ ફરમાવતાં હતાં કે હાજી અબ્દુર્રહમાન ગુંદીવાલા કહેતાં હતાં કે જ્યારે લાજપૂર જુમ્મા મસ્જિદની નવી ઈમારત હજી તૈયાર થઈ ન હતી ત્યારે એક દિવસ હું હોઝ પાસે બેઠો હતો. એટલામાં સૂફી સાહેબ નાનાં ઈસ્તિન્જાથી ફારિંગ થઈ મારા પાસે આવ્યાં અને એક તૂટેલી દીવાલ તરફ ઈશારો કરી મને કહેવા લાગ્યાં કે, આ " અબ્દુર્રહમાન ! જો પેલો શયતાન મરદૂદ હસી રહ્યો છે . મેં જોયું તો ! ખરેખર ત્યાં ઘોડા પર બેસે એવી રીતે દીવાલ પર બેસી શયતાન હસી રહ્યો હતો. જેનો ચેહરો સુવ્વરના જેવો અને બાકીનું ઘડ ઈન્સાનનાં જેવું હતું સૂફી સાહેબે તેને પૂછ્યું કે, ઓ મરદૂદ તું શામાટે હસી રહ્યો છે ? * તો શયતાને જવાબ આપ્યો કે, આપ તો હવે આ દુનિયામાં થોડા દિવસનાં મેહમાન છો ! આપના જવા પછી આ વસ્તી પર મારો કબ્જો થશે તેની ખુશીમાં હસી રહ્યો છું.

૨ . મૌલાના ઈબ્રાહીમ ડાયા સાહેબ ફરમાવતાં હતાં કે, હાજી ઈબ્રાહીમ મિયા ડોકરાત આસણાવાળા (જે સૂફી સાહેબના ખાદીમ અને એક નેક વ્યકિત હતાં) મને એક દિવસ કહેતાં હતાં કે, કોઈ એક પ્રસંગે મારા ઘરે ૪૦ થી ૫૦ માણસો માટે ખાવાનું તૈયાર કરવામાં આવ્યું. સૂફી સાહેબ પણ આ પ્રસંગે હાજર હતાં. પરંતુ ખાવાનાં સમયે લગભગ ૩૦૦ માણસો ભેગાં થઈ ગયાં. મને ચિંતા થવા લાગી કે હવે મારે શું કરવું ? મેં સૂફી સાહેબની ખિદમતમાં જઈ હકીકત બયાન કરી તો આપે મને દિલાસો આપતાં ફરમાવ્યું : બીવાની જરૂરત નથી. ઈન્શાઅલ્લાહ બધું ઠીક થઈ જશે. પછી મારા પાસે એક ચાદર મંગાવી પોતાનાં હાથથી દેગ પર ઢાંકતા ફરમાવ્યું કે, હવે એમાંથી ખવડાવવાનું શરૂ કરો. અમે ખવડાવવાનું શરૂ કર્યું તો ૩૦૦ માણસો પેટ ભરી જમવા છતાં દેગમાંથી જરાયે ખાવાનું ઓછુ થયું નહીં.

3. કેટલાંક ગામવાસીઓ બયાન કરે છે કે, એકવાર આંસણા ગામથી એક ભાઈએ આપની ખિદમતમાં એક ગેરમુસ્લિમ વ્યક્તિ સાથે ગોશ્ત મોકલાવ્યું. તો રસ્તામાં પેલા ગેરમુસ્લિમે એ ગોશ્ત બદલી નાખ્યું. અને તેનાં બદલામાં એક મુરદાર જાનવરનું ગોશ્ત લઈ આપની સેવામાં હાજર થયો. આપને કફ્ફ વડે આ વાતની જાણ થતાં એ ગોશ્ત ફેંકાવી દીધું. અને ગોશ્ત મોકલનાર ભાઈને ફરી કોઈ ગેરમુસ્લિમ સાથે બીજી કોઈ વસ્તુ ન મોકલવા કહ્યું.

૪. એકવાર સૂફી સાહેબો તેમનાં એક સંબંધીથી કહ્યું કે, શું તમે એકલા જ કેરી ખાયા કરશો ? મને પણ તો કોઈ દિવસ ખવડાવો ! પેલા ભાઈ તરત પોતાનાં તેમજ બાજુમાં આવેલા બીજા એક માણસના આંબા પરથી તેની રજા વગર કેરીઓ તોડી આપની સેવામાં હાજર થયાં. તો આપે કેરીના બે ભાગ કરી કહ્યું કે આ તમારા આંબાની કેરીઓ છે. એ રહેવા દો. અને આ બીજાનાં આંબાની કેરીઓ છે જે તમે તેની રજા વગર તોડી લાવ્યાં છો. જાઓ ! અને તેને આપી આવો.

૫ મૌલાના ઈબ્રાહીમ ડાયા સાહેબ બયાન કરતાં હતાં કે, આસણાંનાં હાજી ઈબ્રાહીમ મિયાં ડોકરાતે મને કહ્યું કે, એકવાર મારી ઓરતને ખાંસીનાં સાથે ખૂન પડવાનું શરૂ થયું. જયારે અનેક ઈલાજો કરવા છતાં કોઈ ફાયદો ન થયો તો હું સૂફી સાહેબની ખિદમતમાં હાજર થયો અને વિગત રજૂ કરી તો આપે તરત જ એક હકીમી નુસ્ખો લખી આપ્યો. પરંતુ નુસ્ખામાં લખેલી દવાઓ કોઈ જગ્યાએ મળી નહીં. એટલે મજબૂર થઈ એક દિવસ એ નુસ્ખો ફરી આપને આપી ગયો. થોડા દિવસો પછી આપે મને યાદ ફરમાવ્યો અને ચાર કાચાં દાડમ લાવવા કહ્યું. હું લઈ આવ્યો.તો આપે દરેક દાડમનાં છરી વડે ઉપરથી નીચે વળગેલા રહે એ પ્રમાણે ચાર ભાગો કરી તેનાં પર દમ કરી બે ભાગોનો છાલ સાથે રસ કાઢી તેમાં સાકર મેળવી સવાર-સાંજ પીવડાવવા કહ્યું. ઘરે જઈ હજી તો એક જ ભાગ પીવડાવ્યો કે ખાંસી અને ખૂન બંને બંધ થઈ ગયાં. અને બીમારી જતી રહી. બાકીનાં બે ભાગ તો મેં કેવળ બરકત માટે જ પીવડાવ્યાં.

 ૬ જનાબ યૂસુફઅલી કાજી સાહેબ બયાન કરે છે કે, મારા વાલિદ સાહેબ ઘણીવાર કહેતા હતાં કે, મારી ઘોડી એકવાર ગુમ થઈ ગઈ. અનેક સ્થળે શોધવા છતાં જ્યારે કોઈ પત્તો ન લાગ્યો તો મેં સૂફી સાહેબથી એ વિષે અરજ કરી અને દુઆ કરવા કહ્યું. તો આપે મને એક તાવીઝ લખી આપી અને જ્યાંથી ગુમ થઈ હતી ત્યાં એક ઝાડ સાથે બાંધવા કહ્યું. મેં આપનાં કહેવા પ્રમાણે કર્યુ તો બીજે દિવસે ઘોડી પોતે જ આવી ગઈ.

૭ કહેવાય છે કે એકવાર મુહમ્મદ ઈબ્રાહીમ ભાણા હકીમજી શીતળાનાં રોગમાં આંખની રોશની ગુમાવી બેઠાં. તેમને દેખાતું બંધ થઈ ગયું. એ દરમિયાન એક દિવસ તેઓ જુઆ મસ્જિદમાં બેઠાં હતાં તો સૂફી સાહેબે તેમની આંખોમાં પોતાની જીભ મુબારક ફેરવી દીધી. જેનાં કારણે ફરી આપને દેખાતું થઈ ગયું. અને પહેલાં જેમને હાથ પકડી દોરવા પડતાં હતાં તે લોકોની અજાયબી વચ્ચે કોઈ પણ વ્યક્તિનો સહારો લીધા વગર તેમનાં ઘરે પહોંચી ગયાં.
૮ લોકો બયાન કરે છે કે, એકવાર લાજપુરથી શાદી માટે નાનાવરાછા બરાત જઈ રહી હતી. બળદગાડાંનો જમાનો હતો. એક ભાઈએ સૂફી સાહેબના ફરઝંદ મૌલાના અહમદ મિયાંને તેમનાં ગાડામાં બેસી બરાતમાં આવવા આગ્રહ કર્યો તો મૌલાના વાલિદ સાહેબ પાસે ઈજાઝત લેવા માટે ગયાં. સૂફી સાહેબે મૌલાનાને મના ફરમાવતાં કહ્યું કે, એ ગાડાંમાં ન બેસો. એના પર મુસીબત આવનારી છે. તો આપ રોકાઈ ગયા. બરાત રવાના થઈ અને થોડે દૂર જતાં કાઢા-કાઢીમાં એકબીજાથી આગળ નીકળવાના પ્રયાસો કરવા લાગ્યાં. અને એમાં ઊન અને ભેસ્તાન વચ્ચે તે જ ગાડાંનાં બળદનો પગ ભાંગી ગયો જે વિષે આપે મૌલાનાને આગળથી ખબર આપી હતી

૯ એકવાર જોડિયાબંદર નામની જગ્યાએ એક માણસ કાદિયાની બની ગયો. અને કાદિયાની મિશન તરફથી પગાર પર તકરીરો કરી લોકોને ગુમરાહ કરવા લાગ્યો. તેની વૃધ્ધ વાલિદા આપની ઘણી જ અકીમતમંદ હતી. જેથી તેણે એક દિવસ આપથી પોતાનાં છોકરા વિષે કાદિયાની થઈ જવાની શિકાયત કરી દુઆ માટે અરજ કરી. એ દરમિયાન એકવાર આપને જાણ થઈ કે તે મુંબઈમાં એક જગ્યાએ તકરીર કરી રહ્યો છે. તો આપે તેને બોલાવી મંગાવ્યો. તે આવ્યો તો આપે તેને સામે બેસાડી તેનાં પર એક એવી તો દૃષ્ટિ નાંખી કે, તેને તરત તાવ ચઢી આવ્યો. આપે ખાદિમોથી તેને સુવડાવી દેવા કહ્યું. ખાદિમોએ સુવડાવી દીધો. જ્યારે ઉઠ્યો તો તરત જ તૌબા કરી ફરી મુસલમાન થઈ આપનો અકીદતમંદ બની ગયો.
( ૧૦ ) હાફિઝ અહમદ નવલખી બયાન કરતાં હતાં કે, લાજપૂરમાં એકવાર એક ભાઈએ બીજાની પરણિત ઓરત સાથે ધણીનાં તલાક આપવા વગર નિકાહ કરી લીધા. સૂફી સાહેબને એ વિષે જાણ થતાં આપ તે ભાઈ પાસે તશરીફ લઈ ગયાં. અને તેને આ ખોટાં કામથી બચવા કહ્યું. અને ભાર દઈ કહ્યું કે જો તમે આમ નહીં કરશો તો લાલ-પીળી હવાનાં રૂપમાં એક અઝાબ આવશે અને તમે બરબાદ થઈ જશો.
પેલા ભાઈએ આપની વાત માની નહીં. અને થોડા દિવસોમાં તે જ થયું જેનાં વિષે સૂફી સાહેબે ખબર આપી હતી. ગામમાં એક ભયંકર આગ લાગી. જેમાં મજકૂર ભાઈનાં ઘર સાથે બીજા કેટલાંક ઘરો પણ બળીને ખાક થઈ ગયાં. પરંતુ આ આગ દરમિયાન ગામવાસીઓને એક અદ્ભુત ચમત્કાર પણ જોવા મળ્યો કે, હાજી હાફિઝ સુલેમાન આબિદ સાહેબ (જે ગામના એક ઘણાં જ નેક, પરહેઝગાર અને સેવાભાવી વ્યક્તિ હતાં) નાં ઘરનાં લગોલગ આવેલા બંને બાજુનાં ઘરો બળીને ઢગલો થઈ ગયા પણ તેમનાં ઘરને આગનો રજમાત્ર પણ અસર થયો નહીં
આપ કેવળ સૂફી જ નહીં બલકે મસાઈલ જાણનાર એક આલિમ પણ હતાં. એકવાર ધોરાજીમાં કેટલાંક લોકોએ બીજા મસ્લકનાં બે આલિમાને સમજાવી આપનું ઈમ્તિહાન લેવા તૈયાર કર્યા. તે બંને આલિમોએ આપને લગભગ ૨૦ થી ૨૫ ઈલ્મી સવાલો કર્યા તો આપે તમામ સવાલોનાં જવાબો કિતાબોના હવાલા સાથે એવા સચોટ આપ્યાં કે તે બંને આલિમો છેવટે કહેવા પર મજબૂર થઈ ગયાં કે આપ કેવળ સૂફી જ નહીં બલકે એક જબરદસ્ત આલિમ પણ છો.
આપ ઘણાં જ મિલનસાર વ્યક્તિ હતાં, દુઃખીઓની મુસીબતમાં કામ આપવું એ આપ પોતાનું કર્તવ્ય સમજતાં હતાં. પોતાનાં ખર્ચે પ્રાથમિક સારવારની કેટલીક દવાઓ ઘરમાં તૈયાર જ રાખતાં હતાં. જે જરૂર પડતાં દરેક જરૂરતમંદ ઇન્સાનને આપતાં. દવા ન હોય તો નુસ્ખા લખી આપતાં. અને જો કોઈ દુઆ માટે કહેતું તો આપ તે જ વખતે હાથો ઉઠાવી બારગાહે ઈલાહીમાં દુઆ કરતાં. આપની તાવીઝમાં પણ ઘણો જ અસર હતો.
એકવાર લાજપુરમાં એક બાઈને જિન્ને પરેશાન કરવાનું શરૂ કર્યુ. જ્યારે સૂફી સાહેબને એ વિષે જાણ કરવામાં આવી તો આપે જિન્ન પર સલામ કહેવડાવ્યું. બસ આપનું સલામ મળતાં જ જિન્ન ભાગી ગયો. પરંતુ આઠ-દશ દિવસો થયાં કે તે જિન્ન ફરી આવ્યો અને બાઈને પરેશાન કરવા લગ્યો. સૂફી સાહેબને એ વિષે ખબર કરવામાં આવી તો આપ એક લાકડી લઈ ઘરેથી નીકળ્યાં અને તે બાઈના ઘરે પહોંચી હજી તો સલામ જ કર્યું કે તે જિન્ન નાસી છૂટ્યો અને પછી કોઈ દિવસ આવ્યો નહીં.
મહૂમ હાજી અહમદ મિયાં સાલેહજી બયાન કરતાં હતાં કે ઉધના પાસે કાંકારાખાડી પર નવાગામ નામની એક વસ્તી હતી. ત્યાં હિંદુ બાઈને એક જિન્ન રાત્રે આવી પરેશાન કરતો હતો. મારા વાલિદ સાહેબને તે ઘરવાળા સાથે ઓળખાણ હતી એટલે એક દિવસ મારા વાલિદ સાહેબ તેમને સૂફી સાહેબની ખિદમતમાં લઈ આવ્યાં. તો આપે અડદના દાણાં અને ખીલીઓ પર દમ કરી પોતાનાં એક ખાદિમ નૂર મુહમ્મદને એ બંને વસ્તુ આપી સાથે મોકલાવ્યાં અને કહ્યું કે, અડદનાં દાણાં ઘરનાં ચારે ખૂણામાં નાંખશો અને આ ખીલીઓ ઘરનાં આગળ અને પાછળનાં દરવાજાની બારસાખમાં ઢોકી દેશો, ખાદિમ સાથે ગયાં અને તેના ઘરે જઈ અડદનાં દાણાં તો ચાર ખુણામાં નાંખ્યાં. પણ દરવાજાની બારસાખમાં ખીલીઓ ઢોકવાનું ભૂલી ગયાં. વળી રાતનાં મોડું થયું હોવાથી ખાદિમ પણ ત્યાં જ સૂઈ રહ્યાં. રાત્રે જિન્ન આવ્યો અને સીધો આપનાં ખાદિમ નૂર મુહમ્મદ પાસે ઘસી ગયો. આ બાજુ આપ મુરાકબામાં હતાં. આપને કફથી જાણ થતાં અહીંથી જ જિન્નને સંબોધી કહ્યું ખબરદાર ! જે અવાજ આપનાં ખાદિમે પણ બરોબર સાંભળ્યો. આપનો અવાજ સાંભળી જિન્ન તરત હટી ગયો. ઘરવાળા પરેશાન થઈ ગયાં. જ્યારે ખાદિમ બીજા દિવસે સવારે આવ્યાં અને વિગત બયાન કરી કે હઝરત ! હજી તે જ હાલત છે. આપે ખાદિમથી પૂછ્યું કે શું તમે મારા કહેવા પ્રમાણે અમલ કર્યો હતો ? ખાદિમે જવાબ આપ્યો જીહાં હઝરત ! તો આપને કફ્ફ વડે જાણ થતાં ખાદિમને કહ્યું કે તમે ખીલી મારવાનું તો ભૂલી ગયાં હતાં. જુઓ ! હજી ખીલી તો તમારા ખિસ્સામાં જ છે. ખાદિમે જોયું તો ખીલીઓ તેમનાં ખિસ્સામાં જ હતી. બીજાં દિવસે આપ પોતે તશરીફ લઈ ગયાં અને અમલ પૂરો કરી આવ્યાં, અને તે દિવસથી જિન્ન આવતો બંધ થઈ ગયો.
સૂફી સાહેબ સૌથી મુહબ્બત રાખતાં હતાં. કોઈને પણ નફરત કે તિરસ્કારની નજરથી જોતાં ન હતાં. અગર કોઈ આપ સાથે દુશ્મની રાખતો તો પણ આપ તેનાં સાથે અબ્લાકથી પેશ આવતાં. હાફિઝ અહમદ નવલખી બયાન કરતાં હતાં કે, એકવાર એક ભરવાડે આપને રસ્તામાં રોકી ઠાવકાઈથી પૂછ્યું કે, તું સૂફી કે હું? તો આપે તેને સંતોષથી વિવેકપૂર્વક જવાબ આપ્યો કે તું! ભરવાડ આપનો જવાબ સાંભળી આપને શાબાશી આપતો અને આપનાં અબ્લાકનાં વખાણ કરતો રવાના થઈ ગયો.
કેટલાંક ગામવાસીઓ બયાન કરે છે કે, જ્યારે પ્લેગ અથવા બીજો કોઈ રોગચાળો ફાટી નીકળવાનો પવન ફૂંકાતો તો આપને કફ્ફ વડે આગળથી એ વાતની જાણ થઈ જતી. આપ લોકોને બોલાવી એ વિષે જાણ કરતાં તો ગામવાસીઓ આગળથી વ્યવસ્થા કરી ગામથી બહાર નીકળી જતાં અને રોગચાળો દૂર થતાં ફરી ગામમાં આવતાં. પરંતુ એ દરમિયાન આપ કદી ગામથી બહાર જતાં ન હતાં. બલકે મસ્જિદમાં બેસી અલ્લાહપાકની યાદમાં તલ્લીન રહેતાં હતાં.
એવી જ રીતે જયારે વરસાદ ન થતો અને ખેતી બરબાદ થઈ જવાનો ભય સેવાતો ત્યારે ગામવાસીઓ આપની સેવામાં હાજર થતાં અને દુઆ માટે અરજ કરતાં. આપ તરત જ હાથો ઉઠાવી દુઆ ફરમાવતાં. અને બે-ત્રણ દિવસોમાં મુશળધાર વરસાદ તૂટી પડતો.
જનાબ હાફિઝ અહમદ કાંદાવાલા કહેતાં હતાં કે, હું સૂફી સાહેબની ખિદમતમાં અવારનવાર જતો રહેતો હતો. આપ ઘણાં જ સારાં અને નેક માણસ હતાં. આપનાં પેટમાં દુઃખાવો રહેતો હતો જેનાં કારણે પેટ પર એક પાટો બાંધી રાખતાં હતાં. જુઆનાં દિવસે જુઆની નમાજ બાદ મિમ્બર પકડી ઊભા થઈ જતાં અને લોકોને અસરની નમાજ સુધી નસીહત ફરમાવતાં. દરમિયાનમાં વારંવાર પૂછતાં કે શું અસરનો વખત થઈ ગયો ? જ્યારે કહેવામાં આવતું કે હાં ! હઝરત થઈ ગયો તો આપ ખતમ કરતાં અને અસરની નમાજ અદા કરતાં.
હાફિઝ અહમદ નવલખી પોતે બયાન કરતાં હતાં કે, હું મારા બાળપણમાં ઘણો જ તોફાની હતો. મને હિઝ કલાસમાં બેસાડવામાં આવ્યો તો મહામુસીબતે મેં બે-ત્રણ પારા યાદ કર્યા. અને તે પણ એવા કે એક લીટી પણ તજવીદ સાથે સહી પઢી શકતો ન હતો. એક દિવસ મારાં નાના મને સૂફી સાહેબની ખિદમતમાં લઈ ગયાં. અને મારા માટે દુઆની ગુજારિશ કરી. આપે દુઆ ફરમાવી બે-ત્રણ નુસ્ખા બતલાવ્યાં. જેનાથી મને કોઈ ફાયદો થયો નહીં.
થોડાં દિવસો પછી મારા નાના મને પાછો સૂફી સાહેબની ખિદમતમાં લઈ ગયાં. અને હકીકત બયાન કરી તો આપે જે ફરમાવ્યું તેનો એક એક શબ્દ આજે પણ મને યાદ છે. આપે મને સંબોધી ગુસ્સામાં કહ્યું કે ' ઓ મરદૂદ ! કેમ પઢવા જતો નથી ? તારા કાન કાપી લઈશ ! પછી મને પકડી મારી પેશાની પર પ્યારથી એક ચૂંબન આપ્યું. બસ તે જ દિવસથી મારી હાલત બદલાઈ ગઈ. મારા દિલમાં થોડો એહસાસ પેદા થયો. એટલે તમામ તોફાન-મસ્તી છોડી હું ડાભેલ જઈ મદ્રેસામાં દાખલ થઈ ગયો. અને આપની દુઆની બરકતથી કેવળ દોઢ વરસમાં હાફિઝ થઈ ગયો. એ ઉપરાંત ઈમામ હફ્સનાં તરીકા પર કિઅંતનાં ફનમાં માહિર થયો અને ફિકહ તથા હદીસની સંપૂર્ણ સિમાઅત કરી.
તે સમયનાં સચીન સ્ટેટનાં નવાબ સાહેબ અને બીજા અન્ય હોદ્દેદારો પણ અનેકવાર આપની સેવામાં હાજર થતાં અને કલાકો સુધી અદબથી ઊભા રહી આપની વાતો અને નસીહતો સાંભળતાં હતાં. ખાસકરી સચીન સ્ટેટનાં મેજિસ્ટ્રેટ ભાઈલાલ, ટાલ્યાખાન અને મોટામિયાં વારંવાર આપની ખિદમતમાં આવતાં હતાં. અને આપની ઈમાનઅફરોઝ વાતો સાંભળતાં હતાં.
મૌલાના ઈબ્રાહીમ ડાયા સાહેબ જનાબ મર્હુમ મુહમ્મદ કરાનીનાં હવાલાથી બયાન કરતાં હતાં કે અંગ્રેજનાં જમાનામાં નવસારી કોર્ટમાં ગામ જીતાલી (જી.ભરૂચ)નાં યૂસુફઅલી નામનાં એક મામલતદાર હતા., જે હંમેશા કોટ, પાટલૂન, ટાઈ અને હેટ પહેરતાં હતાં. અને સૂફી સાહેબની ખિદમતમાં પણ આવતાં રહેતાં હતાં સૂફી સાહેબનાં સૂરત રહેવા દરમિયાન એકવાર મામલતદાર સાહેબ કોટ, પાટલૂન, ટાઈ અને હેટ લગાવી આપની ખિદમતમાં હાજર થયાં. સૂફી સાહેબે આવકાર આપી મુહબ્બતથી ફરમાવ્યું કે, મામલતદાર સાહેબ ! હું આપથી બે- ચાર સવાલો પૂછવા માંગું છું. 
મામલતદારે કહ્યું: હઝરત ખુશીથી પૂછો.
આપે પહેલો સવાલ પૂછ્યો.
મામલતદાર બતાવો ! અગર તમારી સરકાર પાસે કોઈ દુશ્મન આવે તો સરકાર તેનાં સાથે કેવો વર્તાવ કરશે ?
મામલતદારે જવાબ આપ્યો : દુશ્મન સાથે દુશ્મન જેવો વર્તાવ કરશે. અને બની શકે તો તેને સજા કરશે.
આપે ફરમાવ્યું તમે સરસ જવાબ આપ્યો અને બીજો સવાલ પૂછ્યો.
અને જો કોઈ સાધારણ માણસ આવે તો ?
મામલતદારે જવાબ આપ્યો : જેવો માણસ હશે તે પ્રમાણે તેનાં સાથે વર્તાવ કરવામાં આવશે.
આપે ફરમાવ્યું તમે સરસ જવાબ આપ્યો અને ત્રીજો સવાલ પૂછ્યો.
અને જો કોઈ દોસ્ત અને ખાસ માણસ આવે તો ?
મામલતદારે જવાબ આપ્યો : ઈઝજત અને માનપાન સાથે તેને આવકાર આપવામાં આવશે અને તેની ખૂબ સેવા-ચાકરી કરવામાં આવશે. 
આપે 'સરસ જવાબ આપ્યો' કહેતાં ફરમાવ્યું કે, મામલતદાર સાહેબ હવે તમે જ બતલાવો કે, તમારે અલ્લાહતઆલા પાસે એક દુશ્મનની હેસિયતથી જવું છે, અથવા એક સાધારણ માણસ બનીને જવું છે કે પછી દોસ્ત બનીની જવું છે ? મામલતદાર સાહેબ પર આ વાતનો ઘણો અસર થયો. ભણેલાં-ગણેલાં અને સમજદાર તો હતાં જ. એટલે સૂફી સાહેબની સેવામાં અદબથી અરજ કરી કે,
હઝરત મને બે મહીનાંની મોહલત આપો ! હું બે મહીનાં પછી જવાબ આપીશ. આપે ફરમાવ્યું : જાઓ બે મહીના નહીં પણ ચાર મહીનાં પછી જવાબ આપશો. મામલતદાર તરત જ સૂરતથી રવાના થઈ સીધાં જીતાલી આવ્યાં, અને રાજીનામું લખી નવસારી કોર્ટમાં મોકલાવી નોકરીમાંથી છૂટા થયાં. અંગ્રેજી પોશાક સૂટ- ટાઈ છોડી ઈસ્લામી લિબાસ ધારણ કર્યો. અને શરીઅત મુજબ એક મૂઠ લાંબી દાઢી રાખી બે-ત્રણ મહીનાં પછી આપની ખિદમતમાં સૂરત આવવા રવાના થયાં. આ તરફ આપને કફ્ફ થતાં આપે આપનાં તમામ ખાદિમો અને મુરીદોને ફરમાવ્યું કે આજે મારો એક ખાસ દોસ્ત આવી રહ્યો છે. તે જયારે આવે તો આપ સૌ તેની તા’ઝીમ અર્થે ઊભા થઈ જશો. થોડીવારમાં મામલતદાર સાહેબ ટ્રેન મારફત આવી પહોંચ્યા. ખાદિમો અને મુરીદો મામલતદાર સાહેબને ઓળખી પણ ન શક્યાં. મામલતદાર સાહેબે આવતા સૂફી સાહેબની ખિદમતમાં અદબથી અરજ કરી કે, હઝરત ! આપને આપેલા વચન પ્રમાણે હું આપનાં સવાલનો જવાબ આપવા આવ્યો છું.
સૂફી સાહેબ તેમને ઈસ્લામી રૂપ-રંગમાં જોઈને ઘણા જ ખુશ થયાં.
આવા હતાં આપણા સૂફી સાહેબ (રહ.) ! જેમના જીવનનો એક એક પ્રસંગ આપણા માટે બોધદાયક અને લાભકર્તા છે.





સોમવાર, 29 જુલાઈ, 2024

સાલેહજી પીર ( રહ ) અને ઇસ્માઇલ પીર ( રહ )

 સાલેહજી પીર (રહ.) લાજપુરનાં એક સીધા-સાદા બુઝુર્ગ હતાં. અલ્લાહપાકે આપને વિલાયત અતા ફરમાવી હતી એ વાત વર્ષો સુધી કોઈની જાણમાં આવી નહીં. આપ મજઝૂબ હતાં એ કારણે આપ આ ભેદ છૂપાવી શક્યાં હતાં. પરંતુ પાછળથી આપની કેટલીક કરામતો જાહેર થઈ જવાથી લોકોને આ વાતની જાણ  થઈ

એકવાર નવાબ સાહેબનો હાથી કાદવમાં ખૂંપી બેસી ગયો. નવાબ સાહેબે ઘણાં લોકોની મદદ વડે તેને ઊઠાડવા અને બહાર કાઢવા અનેક પ્રયત્નો કર્યાં. પરંતુ હાથી ટસથી મસ થયો નહીં. છેવટે સાલેહજી પીરને શોધી મંગાવ્યાં, નવાબ સાહેબનાં ઘણાં જ આગ્રહ કરવાથી સાલેહજી પીર હાથી પાસે આવ્યાં અને હાથીને સંબોધી કહ્યું:ભાઈ! હાથી ઊઠ ને ! શા માટે નવાબ સાહેબને પરેશાન કરે છે ? આ શબ્દો સાંભળતાની સાથે જ હાથી આપ મેળે ઊભો થઈ ગયો. અને ઘર તરફ ચાલવા લાગ્યો.

એકવાર સાલેહજી પીર કોઈ એક જગ્યાએથી પોતાનાં કામકાજથી ફારિંગ થઈ લાજપુર આવી રહ્યાં હતાં. રસ્તામાં નદી આવતી હતી. જેમાં ભરતી હોવાનાં કારણે પુષ્કળ પાણી હતું. જેથી ઉતરી શકાય તેમ ન હતું. હોડીવાળાએ પણ ઈન્કાર કર્યો કે હોડી સામે પાર જઈ શકે તેમ નથી. તો આપ પોતાનો રૂમાલ પાણી પર બિછાવી તેના પર બેસી ગયાં. અને સામે પાર જતાં રહ્યાં. હોડીવાળો તો જોતો જ રહી ગયો. ત્યાર બાદ હોડીવાળાને હિમ્મત આઆવતાં જો હંકારી તો વચ્ચે આવી ઉંધી વળી ગઈ અને તે ડુબી ગયો.

ઇસ્માઇલજી પીર ( રહ )

 ઈસ્માઈલજી પીર પણ લાજપૂરનાં એક પ્રખ્યાત વલી થઈ ગયાં છે. આપનો મઝાર લાજપૂરમાં તળાવ કિનારે આવેલો છે. જે વિસ્તાર આજે તકિયાના નામે  ઓળખાય છે. આપની પણ અનેક કરામતો મશહૂર છે. એકવાર આપ વરીઆવ (જી. સુરત) તશરીફ લઈ ગયાં હતાં. ત્યાં કોઈ મોલવી ઓહલા મસ્જિદમાં તકરીર ફરમાવી રહ્યાં હતાં. આપ પણ તે મજલિસમાં જઈ સાથે ગયા. થોડીવારે અચાનક ઊભા થઈ મસ્જિદની બહાર દોડી ગયાં. અને બહાર જઈ અંદર બેઠેલાં લોકોને । બૂમ પાડી કહ્યું કે ઉતાવળે મસ્જિદ ખાલી કરો. સૌ લોકો એકદમ ઉઠીને ભાગ્યાં. અને મસ્જિદની બહાર આવી ગયાં..આપે આવી હરકત શામાટે કરી ? એમ લોકો હજી પૂછે તે પહેલાં જ બધાંની અજાયબી વચ્ચે મસ્જિદનું મકાન કકડભૂસ થઈ જમીન પર તૂટી પડ્યું. અને સૌ બચી ગયાં.

એ જ ઈસ્માઈલજી પીર એકવાર એક મજલિસમાં (એક બાદશાહનું નામ લઈ) અચાનક બોલી ઉઠ્યાં કે આજે દિલ્હીમાં તેનો ઈન્તિકાલ થઈ ગયો. આ વાત જોતજોતામાં બધે ફેલાઈ ગઈ. એક માણસે એ વિષે નવાબ સાહેબને જાણ કરી તો નવાબ સાહેબે આપને બોલાવી મંગાવ્યાં. અને આવી રીતે એક બાદશાહ વિષે વજૂદ વગરની વાત કરવા માટે આપને કેદમાં પૂરી દીધાં. બે-ચાર દિવસ થયાં કે આપે જે બાદશાહ વિષે ખબર આપી હતી તે જ બાદશાહની વફાતનાં સમાયાર આવી પહોંચ્યા. જેમાં બાદશાહનાં મરણ વિષે તે જ દિવસ અને સમયનો ઉલ્લેખ હતો જે દિવસે અને સમયે આપે તેનાં ઈન્તિકાલની ખબર આપી હતી. ખબર આવતાં જ નવાબ સાહેબે આપને છોડી મૂક્યાં.

ખમ્સા પીર ( રહ ) 

લાજપૂરનાં વલીઓનો ઈતિહાસ જાણતી વખતે લાજપૂરનાં જૂનાં કબ્રસ્તાનમાં આવેલી ખમ્સા પીરનાં નામે એળખાતી કબરોની હકીકત જાણી લેવી જરૂર રસપ્રદ લેખાશે.

કહેવાય છે કે નવસારીમાં એકવાર મુસ્લિમો અને ગેરમઝહબી લોકો વચ્ચે ઝઘડો થયો. વાત મારામારી સુધી પહોંચી ગઈ. મુસલમાનો એમાં ખૂબ પીટાયા. અલ્લાહનાં એક નેક બંદાએ દુઆ માંગી કે, યા અલ્લાહ ! અમારી મદદ ફરમાવ. રાત્રે તે દુઆ કરનારને ખ્વાબમાં રસૂલે પાક (સલ.) ના દીદાર નસીબ થયાં. અને ચૌદ (૧૪) માણસોનાં નામ બતાવી આપ (સલ.) એ ફરમાવ્યું કે તમે તમારી જમાઅતમાં આ યૌદ બુઝુર્ગોને શામિલ કરો તો તમારી જીત નક્કી જ છે. સવારે એ ચૌદ બુઝુર્ગોને શોધી જમાઅતમાં શામિલ કરવામાં આવ્યાં. એમનાં શામિલ થવાથી અલ્લાહપાકનાં ફઝલો કરમથી મુસલમાનો ફતેહયાબ થયાં. પરંતુ આ લડાઈમાં આ ચૌદ બુઝુર્ગો શહીદ થઈ ગયાં. તેમની ગરદનો તેમનાં ઘડથી કપાઈને છૂટી પડી ગઈ. પણ લોકોની અજાયબી વચ્ચે આ બુઝુર્ગોનાં ઘડો ચાલવા લાગ્યાં. જેમાંનાં પાંચ ઘડો ચાલતાં ચાલતાં લાજપુર આવ્યાં અને થોભી ગયાં. જે લાજપુરનાં કબસ્તાનમાં દફન કરવામાં આવ્યાં. અને આજે તે કબરો ખમ્સા પીરના નામે ઓળખાય છે. જ્યારે બાકીનાં નવ ઘડો ચાલતાં ચાલતાં સૂરત પહોંચી ગયાં. જે સૂરતમાં દફન થયાં અને આજે તે જગ્યા 'નવ શહીદ'નાં નામે ઓળખાય છે

હજરત મીર ફકીરુલ્લાહ (રહ )

 આપ એક જય્યિદ આલિમ અને પરહેઝગાર નેક બુઝુર્ગ હતાં. સચીન સ્ટેટનાં કાઝિયુલ કૂઝાત (ચીફ જજ) અને નવાબ સાહેબનાં દામાદ પણ હતાં. આપ લાજપુરનાં મહાન બુઝુર્ગ હઝરત શાહ સુલેમાન સૂફી સાહેબ (રહ.) તથા સૈયદ તાહા (રહ.) ના ઉસ્તાદ પણ થાય છે. આપની વફાતની તારીખ અને ઝિન્દગી. મુબારકના બીજાં હાલાત મળી શક્યાં નથી



લાજપોરના મહાન બુજુર્ગ અને ઉલમાએ કિરામ

 અલ્લાહતઆલાની બેશુમાર તારીફ અને રસુલે પાક ( સલ. ) તથા આપની આલ અને આપના અસહાબ પર બેશુમાર દરુદો સલામ પછી.

લાજપોરના મહાન વલીઓ તેમજ બુજુર્ગોના આગમન તથા તેમની બરકતોથી જેમ અલ્લાહપાકે લાજપુરવાસીઓને ઇસ્લામની દોલત અતા ફરમાવી છે તેમ અલ્લાહ પાકે લાજપોરના કેટલાક બુજુર્ગોને વિલાયત પણ અપ્રણ કરી છે જેમા સુફી સાહબ ( રહ ) તો જગ વિખ્યાત છે જ પરંતુ આપ સીવાય બીજા કેટલાક વલીઓ અને આલિમો પણ થયા છે જેમના જીવન ચરિત્ર પર નજર નાખતા ચાલીએ

લાજપોર સુન્ની વોહરા મુસ્લિમની વસ્તી ધરાવતો એક અગત્ય અને મહત્વનો કસ્બો છે પહેલા વરસો સુધી એ સચીન સ્ટેટની રાજધાની અને તેના નવાબનુ રેહઠાળ રહી ચુકયુ હોવાના કારણે એની ઐતીહાસિક વિગતો જાણવા માટે આપણે સચીન સ્ટેટના મુસ્લીમ હાકીમો અને નવાબોનો ઇતીહાસ પણ અચુક જાણવો પડશે મોરક્કો ( મરાકશ ) ના સીદી અરબોમાના એક અરબે આવી મુંબઇ પાસે ઝંજીરા નામી એક ટાપુ પર કબ્જો જમાવ્યો હતો. જ્યારે તેના મરણ પછી યુસુફઅલી ખાન નામનો એક વંશજ ( પુત્ર ) ઝન્જીરાની ગાદી પર બિરાજમાન થયો ત્યારે તેણે એ દરમિયાન એક બાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યા જેના પેટથી એક પુત્ર અવતયો. જેનુ નામ ઇબરાહીમ ખાન રાખવામા આવ્યુ . એ સિવાય યુસુફઅલી ખાનને તેની બીજી એક પત્નીના પેટથી પણ એક પુત્ર હતો બાપના મરણ પછી આ બન્ને ભાઇઓ વચ્ચે પોતાના હાથમા સત્તા લેવા માટે ઘષર્ણ ઉપસ્થિત થયુ. બે ભાઇઓ એક બીજાના શત્રુ બની ગયા . અને પરિણામે ઇબ્રાહીમ ખાનને ઝંજીરા છોડી નાસી જવુ પડયુ

તે સમયે પુનામા બાજીરાવ પેશવાનૂ રાજય હતુ. ઇબ્રાહીમ ખાને બાજીરાવ પેશવા પાસે મદદ માંગી . પરંતુ બાજીરાવ પેશવા નુ લશ્કર તે સમયે હોલંકર સિંદે સાથે લદાઇમા રોકાયેલુ હોવાના કારણે બાજીરાવ મદદ આપી શકયો નહી. અને ઇબ્રાહીમ ખાન પુનામા બાજીરાવના આસરા હેઠળ દિવસો વીતાવવા લાગ્યો . પરંતુ બાજીરાવ પેશવાના લશ્કરમા મોટાભાગે અરબ સિપાહીઓ હોવાના કારણે ઇબ્રાહિમ ખાન ત્યા થતા કેટલાક બિનમુસ્લિમ રીત-રીવાજો જોઇ શકયો નહી. અને તેને બંધ કરાવવા પાછળ મંડી પડયો. આ બનાવથી બાજીરાવ તેનાં પર ગુસ્સે થયો. પરંતુ તેની વઝીર ઘણો જ ચાલાક અને હોશિયાર હતો. તેણે વિચાર્યું કે, અરબો જો ઉરશ્કેરાય જો અને ખુદ બાજીરાવની સામે બંડ પોકારશે તો રાજ્ય ભયમાં મૂકાઈ જશે. અને થયું પણ એમ જ. કે ઈબ્રાહીમ ખાને ઉઠાવેલા વિરોધની અરબોને જાણ થતાં લશ્કરમાં ખળભળાટ થવા માંડયો. હવે એક બાજુ બાજીરાવ હોલંકર સિંદે સાથે લડાઈમાં રોકાયેલો હતો. જયારે

બીજી બાજુ અંગ્રેજ લશ્કરનો ગવર્નર જનરલ માર્કવિસ વેલેસ્લી તકનો લાભ લઈ પૂનાનું રાજય પચાવી પાડવા તૈયાર જ બેઠો હતો. ત્યાં તો આ ત્રીજી સમસ્યા ઊભી થઈ. અને ઈબ્રાહીમ ખાન બાજીરાવનાં માથાનો દુઃખાવો બની ગયો. તો તેણે તેનાં વજીરના સાથે મસલત કરી વજીરનાં સલાહ-સૂચનથી પોતાનાં રાજ્યને અંગ્રેજનાં હાથમાં જતું બચાવવા અને અરબ સિપાહીઓને શાંત પાડવા ઈબ્રાહીમ ખાનને એકવીસ ગામોની 'સચીન સિયાસત' આપી દીધી, અને સ.ઈ. ૧૮૦૨ માં ઈબ્રાહીમ ખાને રાચીન આવી રિયાસતનો કબ્જો સંભાળી લીધો.

આ સમયે લાજપુર એક અનોખી શાન ધરાવતો મુસ્લિમ કસ્બો હતો. દીની તાલીમ તરફ લોકોનું આકર્ષણ વધારે હતું. શિક્ષણ અને કેળવણીની સુંદર વ્યવસ્થા હતી. જેથી ઈબ્રાહીમ ખાન લાજપૂર તરફ આકર્ષાયા. અને સચીન આવ્યાંને ઠીક આઠ વર્ષ પછી ઈ.સ. ૧૮૧૦ માં લાજપૂરમાં એક (નાના કિલ્લા સમાન) કોઠી બાંધી. જે આજે પણ 'વાડી' ના નામથી ઓળખાય છે. ત્યાર પછી લાજપૂરનું સ્વચ્છ અને ઈલ્મી વાતાવરણ નવાબ સાહેબને ગમી જતાં પોતાનાં કુટુંબ-કબીલા સાથે સચીન છોડી લાજપૂર આવી ગયાં. અને લાજપુરને રહેઠાણ તથા સચીન સ્ટેટનું પાટનગર બનાવ્યું. આમ લાજપૂરનો ધીમે ધીમે વિકાસ થતો ગયો.
એ દરમિયાન નવાબ સાહેબ સાથે સગપણનાં સંબંધે જોડાયેલા હોવાનાં કારણે ભરૂચથી એક શરીફ સૈયદ બુઝુર્ગ હઝરત મીર ફકીરુલ્લાહ (નવાબના જમાઈ) નામનાં માણસે લાજપૂર આવી વસવાટ કર્યો. તેમનાં આગમનથી લાજપૂરનાં મુસલમાનોમાં નવચેતન રેડાયું. લાજપૂરના ભાગ્યનો સિતારો ઝળહળી ઉઠ્યો. અને ઠેર ઠેર દીન-ઈમાનનાં ખૂબસૂરત સુગંધિત ફૂલો ખીલી ઉઠ્યાં. આ મહાન વ્યકિત આલિમ હોવા ઉપરાંત ફારસીનાં એક અજોડ અભ્યાસી પણ હતાં. તેમનાં આગમનથી લાજપૂરનાં મુસલમાનોને ઘણો જ ફૈઝ હાસિલ થયો. હઝરત શાહ સુલેમાન સૂફી સાહેબ અને હઝરત સૈયદ તાહા સાહેબ બંને આ જ બુઝુર્ગનાં શાગિર્દો છે.આમ લાજપૂર અનેક ઐતિહાસિક મહત્તા ધરાવતો એક સુંદર અને રસાળ કસ્બો છે. ઈતિહાસમાં કેટલાંક ઠેકાણે એ રાજપુર લખાયું છે. પરંતુ મોગલ શહેનશાહ જહાંગીરે અહીંનાં એક સૈયદ કુટુંબને કરી આપેલાં ફારસી દસ્તાવેજમાં એ લાજપુરનાં નામથી સંબોધાયું છે. એટલે એનું ખરૂં નામ 'લાજપૂર' હોવાનું સાબિત થાય છે.
હવે આવીએ આપણે આપણા ગામનાં મહાન વલીઓ અને મહાન આલિમો તરફ