હજરત મોલાના મુફતી મરગુબ અહમદ ( રહ )
આપનો જન્મ ૩ ઝિલકદ હિ.સ. ૧૩૦૦ અને ૧૩ સપ્ટેમ્બર ઈ.સ. ૧૮૮૩માં જુમેરાતનાં દિવસે સુબ્હસાદિકનાં સમયે થયો હતો. આપનું નામ અહમદ મિયાં રાખવામાં આવ્યું હતું. પરંતુ આપ મરગુબ અહમદના નામથી ઈલ્મી દુનિયામાં પ્રખ્યાત થયાં જે આપનું (મૌલાના અબ્દુલહમીદ ભોપાલી સાહેબે અરબી મૂળાક્ષરોની નક્કી કરેલી સંખ્યાની ગણતરીનાં આધારે તરતીબ આપેલું) તારીખી નામ છે
આપ જ્યારે સાત વરસનાં થયાં તો આપને લાજપુરની ઉર્દુ શાળામાં દાખલ કરવામાં આવ્યાં. ઉર્દુ તેમજ ગુજરાતી તાલીમ સાથે આપે હાફિઝ અહમદ માલવિયા પાસેથી કુર્આનમજીદ હિડ્ઝ કરવાનું પણ શરૂ કર્યું. તેમનાં પાસે લગભગ પાંચ પારા યાદ કરવા બાદ આપે સુરત જઈ મહુમ હાફિઝ અબ્દુલ્લાહ સાહેબનાં ફરઝંદ હાફિઝ મુહમ્મદ સાહેબની સેવામાં રહી વધુ છ પારા યાદ કર્યા. પરંતુ પાછળથી અમુક સંજોગોને લઈ કુર્આનમજીદ હિઝ કરવાનું કામ પડતું મુકી લાજપુર આવી હઝરત સુફી સાહેબ પાસે કિતાબો પઢવાનું શરૂ કર્યું. ત્યાર બાદ સુફી સાહેબનાં છોકરા મૌલાના અહમદ મિયાં પાસે ગુલિસ્તાં, બોસ્તાં અને ફારસીની બીજી કિતાબો પઢી. અને હિ.સ. ૧૩૧૫ ના મુહર્રમ માસથી અરબી કિતાબો પઢવાનો આરંભ કર્યો. ખુદાપાકનાં ફઝુલો કરમ તથા મહેરબાન અને કાબિલ ઉસ્તાદની ખાસ તવજ્જુહથી કેવળ ચાર વરસનાં ટૂંકા ગાળામાં અરબી સર્ફ-નહ્ત્વ, ફિકહ, ઉસૂલે ફિકહ, ઉસૂલે હદીસ, મિશ્કાત શરીફ અને મન્તિકનાં વિષયમાં સુગ્રાથી લઈ શહેં તહઝીબ સુધીની તમામ કિતાબો પઢી ફારિંગ થઈ ગયાં.
પરંતુ આટલાં ઈલ્મથી આપને સંતોષ ન થયો. એટલે વધુ તાલીમ અર્થે હિ.સ. ૧૩૧૯ ના આરંભમાં આપ મદ્રેસા જામિઉલ-ઉલૂમ, કાનપૂર તશરીફલઈ ગયાં. પણ હિ.સ. ૧૩૨૦ માં ત્યાં ભયંકર રોગચાળો ફાટી નીકળતાં મદ્રેસો બંધ થઈ ગયો જેથી આપ ત્યાંથી જ સીધા દિલ્હી તશરીફ લઈ ગયાં. રમઝાનનો પવિત્ર મહીનો દિલ્હીમાં પસાર કરી આપે શવ્વાલ મહીનાનાં શરૂમાં દેવબંદ જઈ દારુલઉલૂમમાં દાખલો લીધો. શૈખુલહિંદ (રહ.) એ શહેજામી, શહેંતહઝીબ, કુત્બી, મીરે કુત્બી, શહેવકાયા અને નુરુલઅન્વારમાં દાખલા માટે ઈમ્તિહાન લીધું. આપ ઈમ્તિહાનમાં કામિયાબ થયાં અને તાલીમ શરૂ થઈ. બલકે આગામી વરસની તૈયારી માટે પણ આપે બીજા ઉસ્તાદો પાસે જઈ જલાલેન શરીફ, મિશ્કાત શરીફ, મુલ્લા હસન, મયબઝી, મુખ્તસરુલ મઆની અને મકામાતે હરીરી પઢવાનું શરૂ કર્યું. હઝરત મૌલાના શબ્બીર અહમદ ઉસ્માની (રહ.) આપનાં હમજમાઅત (જમાઅતના સાથી) હતાં. પરંતુ આપની તબિયત દેવબંદમાં સારી ન રહેવાથી આપને દારુલઉલૂમ છોડવો પડ્યો. અને એક દિવસ હઝરત મૌલાના સૈયદ અહમદ હસન અમરોહી (રહ.)ની સેવામાં અમરોહા જવાની નિય્યતથી દેવબંદથી દિલ્હી આવી પહોંચ્યા. અને દિલ્હીનાં પ્રખ્યાત મદ્રેસા મોલ્વી અબ્દુર્રબમાં તાલીમ લેતાં સુરતનાં કેટલાંક તાલિબેઈલ્મો પાસે મુકામ કર્યો. એ દરમિયાન આપને મદ્રેસા મોલ્વી અબ્દુર્રબનું વાતાવરણ ઘણું જ ગમ્યું. વળી હઝરત મૌલાના કાસિમ નાનોતવી (રહ.)ના એક સાચા આશિક અને પ્રિય શાગિર્દ મૌલાના અબ્દુલઅલી (તે સમયનાં શેખુલહદીસ રહ.)ની મુહબતભરી નજરે આપનું દિલ જીતી લીધું. જેથી આપ અમરોહા જવાને બદલે ત્યાં જ રોકાઈ ગયાં અને ઈલ્મ હાસિલ કરવાનું શરૂ કર્યું. આમ હિ.સ. ૧૩૧૯ થી લઈ હિ.સ. ૧૩૨૩ સુધી બે વાર કાનપુર અને બે વાર દિલ્હીમાં રહી આપે ફિકહ અને હદીસની અનેક કિતાબો અનેક ઉસ્તાદો પાસેથી પઢી.
એક ખાસ ખૂબીની વાત આ છે કે, હિ.સ. ૧૩૨૩ ના શાબાન મહીનામાં મદ્રેસા મોલ્વી અબ્દુર્રબ, દિલ્હીનાં વાર્ષિક જલ્સામાં આપનાં મહેરબાન ઉસ્તાદે તકરીર કરવા માટે ફરમાઈશ કરી, જેને આપ નકારી ન શક્યા અને આપને જલ્સા માં હાજર રહેલાં અનેક મહાન આલિમો અને હજારો શ્રોતાજનો વચ્ચે તકરીર કરવાનો શર્ફ હાસિલ થયો.
વળી જ્યારે આપ હદીસની સનદ મેળવી ફારિંગ થયાં ત્યારે ઝુબ્દતુલ આરિફીન શાહ અબુલખેર (રહ.) એ આપનાં ઉસ્તાદ પાસે ઈલ્મી ખિદમત માટે એક સારા ઉસ્તાદની માંગણી કરી તો આપનાં ઉસ્તાદની સૌપ્રથમ દૃષ્ટિ આપનાં ઉપર જ પડી. અને ઉસ્તાદ સાહેબનાં કહેવાથી આપ શાહ અબુલખૈર (રહ.)ની ખિદમતમાં ચાલ્યાં ગયાં. આપના તેમની ખિદમતમાં રહેવા દરમિયાન તેઓ આપથી ઘણાં જ ખુશ રહી આપને ઘણી દુઆઓ આપતાં રહ્યાં.
હિ.સ. ૧૩૨૩નાં શવ્વાલ મહીનામાં આપ અનેક ઉ..લમાએ કિરામનાં ઉસ્તાદ અને એક મહાન બુઝુર્ગ હઝરત મૌલાના લુફુલ્લાહ સાહેબ અલીગઢી (રહ.)ની સેવામાં તેમની ઝિયારત અર્થે તશરીફ લઈ ગયાં. તેમનાં દીદાર અને મુલાકાતથી ફારિંગ થઈ તજવીદનાં ફનની એક ઘણી જ માહિર વ્યક્તિ હઝરત કારી અબ્દુર્રહમાન ઈલાહાબાદીની ખિદમતમાં તશરીફ લઈ ગયા. ત્યાં પહોંચવાને હજી પૂરૂ એક અઠવાડિયું પણ થયું ન હતું કે લાજપુરથી આપનાં ભાઈનો જલ્દી ઘરે ચાલ્યા આવવા વિષે ટેલીગ્રામ મળ્યો. જેથી આપ ભાઈની આજ્ઞા માથે ચઢાવી તરત જ લાજપૂર ચાલ્યાં આવ્યાં.
હિ.સ. ૧૩૨૪ માં એક મુપ્લિસ સાથી અને દોસ્તનાં શાદી પ્રસંગે આપને ભોપાલ જવાનું થયું. ભોપાલનાં આ સફર વિષે આપ પોતે લખે છે કે,
મને ભોપાલ શહેર ત્યાં દરેક પ્રકારનાં ઈલ્મ અને ફનનાં માહિર આલિમો હોવાને લઈ ઘણું જ બરકતવાળું લાગ્યું. ખાસકરી હઝરત અલ્લામા શેખ હસન યમની (રહ.) થી હું ઘણો જ પ્રભાવિત થયો. જે ભોપાલનાં કાઝી હોવા ઉપરાંત એક મહાન મુહદ્દિસ પણ હતાં. હું તેમની સેવામાં પણ એકવાર હાજર થયો અને ઘણાં ઈલ્મી
સવાલો પૂછી વાકિફ થયો, તેમની ઉંમર તે સમયે લગભગ ૭૯ વરસની હતી, છતાં મેં જોયું કે આપ કોઈ પણ પૂછનારનાં ઈલ્મી સવાલનો જવાબ મિનિટોમાં પાનાંઓ ભરીને લખી આપતાં હતાં. આ સફર દરમિયાન આપ હઝરત મૌલાના નઈમ સાહેબ લખનવી ફિરંગીમહલ્લી (રહ.)નાં ખલીફા હઝરત મૌલાના આઝમ હુસૈન સાહેબ સિદીકી મુહાજિરે મદની (રહ.) ની સેવામાં પણ બે મહીના રહ્યાં. અને તેમનાથી નફરાબંદી સિલસિલામાં 'અત થયાં. તેમણે આપને વઝીફાઓ બતાવવા ઉપરાંત મુરાકબા અને મુહાસબાની પણ તાલીમ આપી. હઝરતે આપ પાસે ઘણી સખ્ત શર્તો સાથે એક અઠવાડિયા સુધી રિયાઝત પણ કરાવી. આ બુઝુર્ગ વિષે આપ પોતે એક સ્થળે લખે છે કે, આપ ઘણાં જ નરમ, મુત્તકી, પરહેઝગાર, શરીઆતનાં પાબંદ, સુન્નતો પર અમલ કરનારાં, નેકદિલ બરકતવાળા બુઝુર્ગ હતાં. મદીનાવાસીઓ પણ આપનો ઘણો જ અદબ કરતા હતાં. અને સાથે કહેતા પણ હતાં કે, 'અદબ શીખવો હોય તો આ હિન્દુસ્તાની પાસેથી શીખો.' આપની વફાત મદીના મુનવ્વરામાં ઈ.સ. ૧૯૧૫ માં થઈ હતી. અલ્લાહપાક તેમનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન !
જયારે આપ ઈલ્મ હાસિલ કરી અને જાહિરી તેમજ બાતિની ફૈઝ પ્રાપ્ત કરી ફારિંગ થયાં ત્યારે આપની ઉમર મુબારક ૨૭ વરસની હતી. ફારિંગ થવા પછી કોમ અને મઝહબ ખાતર કોઈ કામ કરવાનાં મુબારક વિચારે આપના દિલમાં જન્મ લીધો. એટલે સૌપ્રથમ વરસોથી બંધ પડેલા મદ્રેસા ઈસ્લામિયહ, લાજપુર તરફ આપે આપનું લક્ષ કેંદ્રિત કર્યું. અને તેને ફરી ચાલુ કર્યો. મદ્રેસો ઈસ્લામિયહ ચાલુ થતાં ફરી એકવાર લાજપુરનું વાતાવરણ કુર્આન અને હદીસનાં નૂરાની કિરણોથી જગમગી ઉઠ્યું. મદ્રેસામાં ફારસી, અરબી, ઉર્દુ તાલીમ ઉપરાંત તજવીદની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી. જેનાં માટે તજવીદના ફનનાં એક માહિર અને જાણકાર જનાબ કારી બશીર અહમદ ગંગોહી (રહ.)ની સેવા હાસિલ કરવામાં આવી. સાથે ગુજરાતીનો પણ પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો. જેથી તાલિબેઈલ્મોને સરકારી શાળામાં જવાની જરૂર રહે નહીં. હિ.સ. ૧૩૩૩ સુધી મદ્રેસો બરોબર ચાલતો રહ્યો. ત્યાર બાદ કેટલાંક લોકોનાં અર્થહીન વિરોધો અને નકામી દખલગીરીને લઈ મદ્રેસો બંધ થઈ ગયો. બસ ! તે દિવસથી લાજપૂરનાં સમગ્ર વિસ્તાર પર એક એવો અંધકાર છવાઈ ગયો કે જાણે અમાસની કાળી રાત્રે બંધ ઓરડામાં કોઈએ વિજળીનું બાટન દબાવી અચાનક લાઈટ બંધ કરી દીધો હોય. એવો અંધકાર કે, જેની એહસાસ આજે પણ ગામવાસીઓ સગી આંખે નિહાળી અને અનુભવી રહ્યાં છે. અને ન જાણે કયાં સુધી અનુભવતાં રહેશે
લાજપૂરનો મદ્રેસો બંધ થતાં ઈ.સ. ૧૯૧૪ માં આપે વેપારમાં ઝંપલાવ્યું. અને એ અર્થે કલકત્તા તશરીફ લઈ ગયાં. પરંતુ એ સાલમાં પહેલું વિશ્વયુધ્ધ ફાટી નીકળતા તરત જ આપને વેપાર બંધ કરી લાજપૂર ચાલ્યાં આવવું પડયું. ઈ.સ. ૧૯૧૫ માં હઝરત મૌલાના ઈબ્રાહીમ રાંદેરી સાહેબ (૨૯.) એ આપને રંગૂન (બાં) જવા માટે આગ્રહ કર્યો. આપ ઈન્કાર ન કરી શક્યાં અને આપ રંગૂન તશરીફ લઈ ગયાં. રંગૂનમાં મૌલાના ઈબ્રાહીમ સાહેબે મહૂમ જનાબ આરિફ મુઅલ્લિમ સાહેબનાં બુઝુર્ગોનાં ટ્રસ્ટમાંથી (જે વફ મિલ્કતો હતી) દારુલઉલૂમ મદ્રેસા મુઅલ્લિમિયહની સ્થાપના કરી તેનું ઉદ્ઘાટન આપનાં હાથથી કરાવ્યું. જેમાં ઉર્દુ, ફારસી અને અરબી તાલીમની પૂરી વ્યવસ્થા કરવામાં આવી. આપની એક અરબી ઉસ્તાદ તરીકે નિમણૂક કરવામાં આવી. એ સિવાય એક ફતાવાલયની સ્થાપના કરી તેની સંપૂર્ણ જવાબદારી પણ આપને જ સોંપવામાં આવી. બર્મા અને નજીકનાં બીજાં દેશોથી ઈલ્મ હાસિલ કરવા માટે વાલિબેઈલ્મો મોટી સંખ્યામાં આવવા લાગ્યાં. પરંતુ ઈ.સ. ૧૯૧૯ માં આપનાં ભાઈ દક્ષિણ આફ્રિકા ચાલ્યાં ગયાં એટલે ઘરમાં કોઈ જિમ્મેદાર વ્યકિત ન
રહેતાં આપ રંગૂન છોડી લાજપૂર આવી ગયાં. એ દરમિયાન રંગૂનનાં મદ્રેસા મુઅલ્લિમિયહમાં ઈલ્મી ક્ષેત્રે નબળાઈ અને કમજોરી પેદા થતાં મુઅલ્લિમિયહ ટ્રસ્ટના મેનેજર અને મદ્રેસાનાં વ્યવસ્થાપકે આપને ફરી રંગૂન જઈ મદ્રેસાની તમામ જવાબદારી હાથમાં લેવા મજબૂર કર્યા. આપ આ સમયે લાજપુર જુઆ મસ્જિદની પૂરાની અને બિસમાર ઈમારતને શહીદ કરી નવી બાંધવાની ચિંતામાં જ હતાં. એટલે રંગૂન જવાનાં મળેલાં આમંત્રણને અલ્લાહપાક તરફથી એક ગેબી મદદ સમજી ઈ.સ. ૧૯૨૫ માં આપ ફરી રંગૂન તશરીફ લઈ ગયાં. અને ત્યાં પહોંચી મદ્રેસાની તમામ જવાબદારી સંભાળી લધી. અને સાથે લાજપૂર જુઆ મસ્જિદની નવી ઈમારત માટે ફંડ- ફાળો ભેગો કરવાનું કામ પણ શરૂ કરી દીધું, લગભગ દોઢ વરસ ત્યાં રહી આપ ફરી લાજપુર તશરીફ લઈ આવ્યાં અને અલ્લાહપાકનાં ફઝલો કરમ વડે ગામવાસીઓનાં સાથેય-સહકાર અને સચીનનાં નવાબ ઈબ્રાહીમ ખાનની નાણાંકીય સહાયથી જુઆ મસ્જિદની નવી ઈમારતનો પાયો નાંખ્યો. અને ઈ.સ. ૧૯૨૦ માં અંદાત લગીરેય હજાર રૂપિયાના ખર્ચે જમાઅતખાનું અને ઘરડાની શાનદાર ઈમારત તૈયાર કરી મસ્જિદના બાકી રહેલા કામ માટે બીજો ફંડ-ફાળો ભેગો કરવાનાં ઈરાદાથી કરી આપ રંગૂન તશરીફ લઈ ગયાં. અને મદ્રેસા મુઅલ્લિમિયહની જવાબદારી સાથે જુઆ મસ્જિદ માટે પૈસા પણ ભેગાં કરતાં રહ્યાં. જેના પરિણામે લાજપુરની સરજમીન પર જુઆ મસ્જિદની એક આલીશાન અને ખૂબસૂરત ઈમારત ઊભી થઈ. જે આપની ગામ પ્રત્યે લાગણી હોવા ઉપરાંત આપની જાત-મહેનત અને કાર્ય કુશળતાનો એક સુંદર નમૂનો પણ છે. આ મસ્જિદમાં નમાજ પઢનાર પ્રત્યેક વ્યક્તિનાં દિલમા જે એક અજીબ કેફિયત પેદા થાય છે. અને તેની રૂહને જે એક અજીબ શાંતિ મળે છે તે આપના ઈલાસની બરકત છે. અને કેમ ન મળે ? કારણ કે આપ પોતે પોતાનાં એક ખ્વાબનું વર્ણન કરતાં લખે છે કે, ૨૧ રબીઉલ અવ્વલ હિ.સ. ૧૩૫૦ અને ૫ સપ્ટેમ્બર ૧૯૩૧ નાં શનિવારે સુહસાદિકનાં સમયે મને આકાયે નામદાર મહબૂબે રબુલઆલમીન હઝરત મુહમ્મદ (સલ.)નાં ખ્વાબમાં દીદાર નસીબ થયાં. મેં જોયું કે આપ (સલ.) જુઆ મસ્જિદનાં વરંડામાં સંગે મરમરનાં મુસલ્લા પર જમણી બાજુ નમાઝ અદા ફરમાવી રહ્યાં છે. આ ખ્વાબથી મારા દિલને અપાર સંતોષ થયો કે ઇન્શાઅલ્લાહ મારી મહેનત અને આ મસ્જિદ અલ્લાહપાકની બારગાહમાં મકબૂલ છે.
નોટ : મૌલાના મરગૂબ સાહેબનાં હાથે બનેલી મસ્જિદ શહીદ કરી તેની જગ્યા પર આજે લાજપુર મુસ્લિમ વેલ્ફેર સોસાયટી યૂ.કે. ની દેખરેખ હેઠળ બીજી ઘણી જ મોટી, વિશાળ અને શાનદાર મસ્જિદ લગભગ દોઢ કરોડ રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવી છે.
આપે ચાર શાદીઓ કરી હતી. આપની આવલાદની કુલ સંખ્યા કુલ્લે ૧૭ છે. જેમાંથી હાલ કેવળ એક જ ‘જનાબ ઈસ્માઈલ' હયાત છે. જે ગામ તથા આજુબાજુના વિસ્તારમાં 'ભાઈમિયાં ભાઈ' ના હુલામણાં નામથી પ્રખ્યાત છે. આપની તસ્નીફાતમાં ચાર ઉર્દુ કિતાબો છે જેને અલ્લાહપાકે ઘણી મકબૂલિયત આપી છે.
૧) જમીઉલ અર્બાઈન ફી તાલીમુદ્દીન
(૨) તવહીદુલ ઈસ્લામ
(૩) સફીનતુન્નજાત ફી મનાકિબિસ્સાદાત
(૪) અરકાને ઈસ્લામ (શાફિઈ મસ્લકને આધારિત છે
નોટ: આ કિતાબોમાંથી પ્રથમ ત્રણ કિતાબોનો ગુજરાતી અનુવાદ પણ પ્રસિધ્ધ થઈ ચૂક્યો છે.આ સિવાય આપનાં ઈલ્મી લેખો પણ અનેક ઉર્દુ માસિકોમાં આવારનવાર પ્રગટ થતાં રહેતાં હતાં. આમ અનેક કોમી અને દીની સેવાઓ કરી આપ ૧ મુહર્રમ હિ.સ. ૧૩૮૨ અને ૫ જૂન ઈ.સ. ૧૯૬૨ નાં મંગળવારે ઝવાલ પછી લગભગ ચાર વાગે અલ્લાહને પ્યારાં થઈ ગયાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો