મંગળવાર, 27 ઑગસ્ટ, 2024

હઝરત મોલાના મુફતી સૈયદ અબ્દુર્રહીમ લાજપૂરી (રહ)

                                                                 بسم الله الرحمن الرحيم

                                         હઝરત મોલાના મુફતી સૈયદ અબ્દુર્રહીમ લાજપૂરી (રહ)
આપનો જન્મ શવ્વાલ હિ.સ. ૧૩૨૧ અને ઈ.સ. ૧૯૦૦ માં થયો હતો. આપે પ્રાથમિક તાલીમ પોતાનાં દાદા હઝરત મોલાના સૈયદ ઈબ્રાહીમ કાદરી (રહ.) પાસે લેવાની શરૂ કરી. પરંતુ ૪ રબીઉલ અવ્વલ હિ.સ. ૧૩૨૯ માં તેમની વફાત થઈ જતાં આપે પોતાનાં વાલિદ સાહેબ પાસે ઉર્દુ તાલીમ લેવાનો આરંભ કર્યો. અને કુર્આનમજીદ નાઝિરા પઢવાની શરૂઆત આપનાં ચાચા હઝરત મૌલાના કાઝી સાહેબ (રહ.) પાસે કરી. આ સાથે આપે લાજપૂર ગુજરાતી સ્કૂલમાં બાળપોથી અને પહેલી ચોપડીની તાલીમ પણ પૂરી કરી. આ તાલીમ દરમિયાન ખેતીવાડીની દેખરેખ પણ આપના જિમ્મે રહી. જવાનીમાં આપનાં દિલમાં કુશ્તીનો શોખ પેદા થયો. જેનાં માટે આપે લાજપૂરમાં પોતાનાં ઘર સામે એક અખાડો બનાવ્યો. પંદર-વીસ છોકરાઓ આપનાં શાગિર્દ બની આપનાં પાસે કુશ્તી શીખવા માટે આવવા લાગ્યાં. જો કે આપે પદ્ધતિસર કોઈ પહેલવાન પાસે કુશ્તીની તાલીમ લીધી ન હતી. એટલે પોતે શોંચી શોંચી કુશ્તીનાં થોડાં દાવ નક્કી કર્યા. આ સમયે રાંદેરમાં જોરશોરથી અખાડો ચાલતો હતો. આપ બે-ત્રણ વાર ત્યાં જઈ જોઈ પણ આવ્યાં કે, અખાડો કેવો હોય છે ? કુશ્તીના દાવો કેવા હોય છે ? કેવી કસરતો કરવી પડે છે ? અને પછી તે પ્રમાણે આપ કસરતો કરી જવાનોને પણ શીખવાડવા લાગ્યાં. કહેવાય છે કે, અખાડો શીખવા દરમિયાન એકવાર જનાબ અહમદભાઈ રાંદેરી
લાજપુર આવ્યાં. જે રાંદેરના મશહૂર પહેલવાન રહીમબખ્શના શાગિર્દ હતાં. જ્યારે તેમણે સાંભળ્યું કે, લાજપૂરમાં પણ અખાડો છે. અને અબ્દુર્રહીમ બધાંને કુશ્તી શીખવે છે તો તેમણે કહ્યું કે, આ અબ્દુર્રહીમ ક્યારથી પહેલવાન બની ગયો ? અગર પહેલવાન હોય તો મારા સાથે કુશ્તી લડે. અને તેમણે આપને ચેલેંજ આપી દીધું. જ્યારે આપને આ ચેલેંજની જાણ થઈ તો આપ ગભરાયાં. કારણ કે આપ કોઈ પહેલવાન તો હતાં નહીં. જ્યારે અહમદભાઈ રાંદેરીએ તો કુશ્તીની તાલીમ લીધી હતી. આપે પોતાની જાન બચાવવા પોતાનાં શાગિર્દોને ભેગાં કરી કહ્યું : જુઓ ! ચેલેંજ કરનાર સાથે પહેલાં શાગિર્દોએ એક પછી એક લડવું જોઈએ. જ્યારે શાગિદો હારી જાય તો પછી ઉસ્તાદનો વારો આવે છે. માટે તમે અહમદભાઈ સાથે મુકાબલો કરવા તૈયાર થઈ જાઓ. પણ આપનાં શાગિર્દોમાંથી કોઈ તૈયાર થયું નહીં. આપની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ, અગર રચેલેંજ કબુલ ન કરે તો શાગિર્દો સામે શરમિંદગી, અને મુકાબલો કરે તો મુસીબત. કારણ કે, અહમદભાઈ રાંદેરી કશ્તીનાં દાવ જાણનારાં પહેલવાન હતાં. જયારે આપનાં તમામ શાગિર્દોએ લડવાથી ઈન્કાર કરી દીધો તો કમને અલ્લાહ તઆલા પર ભરોસો કરી મુકાબલા માટે તૈયાર થઈ ગયાં. અને દુઆ કરી કે, યા અલ્લાહ ! આજે મારી ઈઝત અને લાજ રાખી લે. અને લંગોટ બાંધી અખડામાં ઉતરી પડ્યાં. મુકાબલો શરૂ થયો. પ્રથમ અહમદભાઈ રાંદેરીએ એક પહેલવાન હોવાની અદાથી પોતાની જાંઘો પર જોરજોરથી હાથો મારી આપને પ્રભાવિત અને બીવડાવવાનાં પ્રયાસો કર્યા. પરંતુ આપ બીધાં નહીં. બાથંબાથી શરૂ થઈ. બંને એકબીજાને નીચે પાડવાનાં દાવો અજમાવવા લાગ્યાં. થોડીવાર થઈ કે આપને મોકો મળતાં આપે અહમદભાઈ રાંદેરીને બોચીમાંથી પકડ્યાં અને પોતાની પીઠ પર ઊંચકી જોરથી અખાડાનાં બહાર ફેંકી દીધાં. જોનારાં અચંબામાં ગરકાવ થઈ આપને શાબાશી આપવા લાગ્યાં. અહમદભાઈ રાંદેરી ઘણીવાર સુધી જમીન પરથી ઉઠી પણ ન શક્યાં. અને પોતાની હાર સ્વીકાર કરી લીધી.
જ્યારે આપ પંદર વરસનાં થયાં તો આપને આપનાં ચાચા હાફિઝ હુસામુદ્દીન આપના વાલિદ સાહેબની ઈજાઝતથી પોતાનાં સાથે રાંદેર લઈ આવ્યાં. અને આપને દારુલઉલૂમ અશરફિય્યહમાં હિફઝ કલાસમાં દાખલ કર્યા. આપે પોતાના ચાચા પાસે જ જે ત્યાં હિફઝ કલાસનાં ઉસ્તાદ હતાં હિફઝ કરવાનું શરૂ કર્યું. અને હિ.સ. ૧૯૩૯ માં હાફિઝ થઈ ગયાં.
હાફિઝ થવા બાદ આપનાં વાલિદ સાહેબે તેમનાં ફોઈભાઈ હઝરત મૌલાના સૈયદ અબ્દુલહય કાઝી સાહેબની મોટી છોકરી ફાતિમાબીબી સાથે આપની શાદી નક્કી કરી. તે વખતે મૌલાના સૈયદ અબ્દુલહય સાહેબ ઘલાં (જી.સુરત) માં, ત્યાંની મસ્જિદનાં પેશ ઈમામ અને મદ્રેસાનાં સદર મુદર્રિસ હોવાનાં કારણે પોતાની ફેમિલી સાથે રહેતાં હતાં. એટલે આપની બરાત નવસારીથી ઘલાં ગઈ. અને ૨૬ રજબ હિ.સ. ૧૩૩૯ માં હઝરત મૌલાના મુફતી મરગૂબ અહમદ લાજપૂરી સાહેબ (રહ.)નાં બયાન બાદ આપનાં નિકાહ પઢાવવામાં આવ્યાં. આ તરફ નવાસારીમાં આપના વાલિદ સાહેબનાં પ્રયાસ અને મહેનતથી મોઠવાડ મહોલ્લામાં 'મદ્રેસા મુહમ્મદિયહ' ની સ્થાપના કરવામાં આવી. તો આપના વાલિદ સાહેબે મદ્રેસાની સંપૂર્ણ જકારી, ી ખેતકમાં માયાં પર લાઈ ફારસી અને અરબી કિતાબોની તાલીમ શરૂ કરી આપે મોકાનો ફાયદો ઉઠાવી ફારસના વાલિદ સાહેબ પાસે ફારસી કિતાબો ગુલિસ્તાં અને બોસ્તાં પઢવા બાદ અરબી કિતાબો પઢવાનો આરંભ કર્યો.
આપ હાફિઝે કુર્આન તો હતાં જ. વળી આપ કુરઆન તજવીદનાં સાથે પઢતાં હતાં. આપનો અવાજ પણ ઘણો સારો અને પ્રિય હતો. એટલે જરૂરત ઊભી થતાં આપને નવસારીની શાહી જુઆ મસ્જિદનાં પેશ ઈમામ નક્કી કરવામાં આવ્યાં. થોડાં જ દિવસોમાં આપ નવસારી અને આસપાસનાં વિસ્તારમાં મશહૂર થઈ ગયાં. અને આપનાં પાછળ નમાજ પઢવા માટે લોકો દૂર દૂરથી આવવા
લાગ્યાં. આ દરમિયાન આપની બહેન ફાતિમાબીબીની શાદીનો પ્રસંગ આવ્યો. જેમાં રાંદેરથી ‘શેરે ગુજરાત' હઝરત મૌલાના મુહમ્મદ હુસૈન રાંદેરી (મદ્રેસા જાયિઆ હુસૈનિયહનાં સ્થાપક અને મોહતમિમ) સાહેબ જનાબ હાફિઝ અહમદ મોટા સાથે તશરીફ લઈ આવ્યાં. આ બંને હઝરાત પણ આપની શોહરત સાંભળી ચૂક્યાં હતાં એટલે શાદી પછી બંનેએ આપથી અરજ કરી કે, આજે ફજરની નમાજ અમે તારા પાછળ પઢવા માંગીએ છીએ. અમારે જોવું છે કે, તું કેવું પટે છે. અને સવારે બંને હઝરાત શાહી મસ્જિદ તશરીફ લઈ ગયાં અને આપનાં પાછળ ફજરની નમાજ પઢી. નમાજ બાદ મુહમ્મદ હુસૈન સાહેબે આપને મુબારકબાદ આપી આપનાં કુર્આનશરીફ પઢવાની ખૂબ તારીફ કરી. અને આપને રાંદેર આવવાનું આમંત્રણ આપ્યું. આપે જવાબ આપ્યો કે, રાંદેર તો ઈલ્મનું મર્કઝ છે. અને હું તો માત્ર હાફિઝે કુર્આન છું. મારી ગાડી ત્યાં ચાલી શકે તેમ નથી. મૌલાનાએ ફરમાવ્યું: તમે ચિંતા ન કરો. બધું ઠીક થઈ જશે. ત્યાં અમારો મદ્રેસો છે. જ્યાં રહી તમે કારી મુહમ્મદ ઉમર થાનવી પાસે તજવીદ પઢી પાકી સનદ ધરાવનાર કારી પણ થઈ જશો અને કિતાબો પઢી પૂરાં આલિમ પણ બની જશો. ટૂંકમાં મૌલાનાએ આપના વાલિદ સાહેબને આપને રાંદેર લઈ જવા માટે રાજી કરી લીધાં. પરંતુ નવસારી શાહી મસ્જિદનાં મુતવલ્લી જનાબ હમીદમિયાં સાહેબે આપને છોડવાથી ઈન્કાર કર્યો. ઘણી જ આનાકાની અને રકઝક પછી તે આ શરસ્તે રાજી થયાં કે આપની જગ્યા પર આપના વાલિદ સાહેબ ઈમામતની જીમેદારી સંભાળવા રાજી હોય તો અમે આપને જવાની રજા આપીએ છીએ. આપનાં વાલિદ સાહેબે પોતાનાં નેક અને ફરમાંબરદાર ફરજંદ ખાતર તેમની શરત મંજૂર રાખી, અને આપ ઝીકઅદહ હિ.સ. ૧૩૪૩ માં નવસારી છોડી રાંદેર આવી ગયાં રાંદેર આવવા બાદ ત્યાંની મોટી જુઆ મસ્જિદમાં એક ઈમામની જરૂરત હોવાથી આપને તરત જ ત્યાં પે ઈમામ તરીકે નક્કી કરવામાં આવ્યાં. આપે ઈમામત સાથે હોવાથી સાથે મદ્રેસા જામિઆ હુસૈનિયહમાં તજવીદ અને અરબી કિતાબો પટવાનો સિલસિલો શરૂ કર્યો. અને સૌપ્રથમ હિ.સ. ૧૩૪૫ માં કારી મુહમ્મદ ઉમર યાનવી પાસેથી કારીની સનદ મેળવી ફારિંગ થયાં. ત્યાર હિ.સ. ૧૩૪૯ માં આપ આલિમની સનદ મેળવી ફારિંગ થયાં. આપ જામિઆ હુસૈનિયહમાં પઢવા દરમિયાન થોડી મુદ્દત મદ્રેસામાં ખાતાં રહ્યાં. ત્યાર બાદ આપની તબિયતનાં ખિલાફ હોવાથી આપની ગેરતે એ પસંદ ન કર્યું. જેથી આપે મદ્રેસામાં ખાવાનું છોડી એક હોટલમાં ખાવાનો બંદોબસ્ત કર્યો. અને ધીરે ધીરે આપે ઘરની વ્યવસ્થા કરી આપની અહલિયા મોહતરમાને પણ રાંદેર બોલાવી લીધાં. આપનાં ઉસ્તાદોમાં હઝરત મૌલાના અહમદ નૂર પેશાવરી (રહ.) હઝરત મૌલાના મુહમ્મદહુસૈન રાંદેરી (રહ.) હઝરત મૌલાના મેહદી હસન શાહજહાંપૂરી (રહ.) હઝરત મૌલાના મુજીબુલ્લાહ (રહ.) અને હઝરત મૌલાના અનવરશાહ કશ્મીરી (રહ.)ના નામો મુખ્ય છે.
આપે પઢવાનાં જમાનાથી જ આપના બે શફીક ઉસ્તાદો અને અનુભવી મુફતી હઝરત મૌલાના મુહમ્મદ હુસૈન રાંદેરી (રહ.) અને હઝરત મૌલાના મેહદી હસન (રહ.)ના હાથ નીચે રહી ફતાવા લખવાનો આરંભ કરી દીધો હતો. તે વખતે મદ્રેસામાં જે ફતાવા આવતાં તે આપને જ સુપરત કરવામાં આવતાં હતાં. આપ તેનો જવાબ લખી મૌલાનાની ખિદમતમાં પેશ ફરમાવતાં. મૌલાના આપનો જવાબ વાંચી ખુશ થતાં, આપને મુબારકબાદ આપતાં અને આપની તારીફ કરી જવાબ રવાના કરતાં હતાં.
અને આ જ કારણે અલ્લાહતઆલાએ આપને ફિકહ (શરઈ મસાઈલ)માં જે બસીરત, ઊંડી સમજ અને બારીક દૃષ્ટિ અતા ફરમાવી છે તેનો જોટો મળવો મુશ્કેલ છે. આજે ઉર્દુમાં આપનાં હાથે લખાયેલાં ફતાવાનાં દશ ભાગો જે દળદાર પુસ્તકોનાં રૂપમાં છપાઈને પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે તે આપની એ વિષયમાં ઈલ્મ-શક્તિનો બોલતો પૂરાવો છે. અને આપનાં ફતાવાને ઈન્ડિયા, પાકિસ્તાન અને બંગલાદેશ વગેરે ઉર્દુભાષી દેશોનાં ઈલ્મી વર્તુળમાં જે મકબૂલિયત મળી છે તે આજ સુધી બીજા કોઈ ફતાવા-સંગ્રહને પ્રાપ્ત થઈ શકી નથી. ત્યાં સુધી કે આપનાં ફતાવા કેવળ ઉર્દુ ભાષા સુધી મર્યાદિત ન રહ્યાં. બલકે તેનાં ગુજરાતી અને અંગ્રેજીમાં પણ અનુવાદો થયાં અને ગુજરાત સિવાય દુનિયાનાં ખૂણે ખૂણે અંગ્રેજી બોલનારા લોકોએ પણ તેને વધાવી લઈ તેનાથી ભરપૂર લાભ ઉઠાવ્યો અને હજી પણ ઉઠાવી રહ્યાં છે.
ઘણીવાર એવું પણ બન્યું કે, કોઈ ફતાવાનાં જવાબમાં બીજા મુફતીઓ સાથે મતભેદ ઊભો થતાં આપનો જવાબ દારુલઉલૂમ દેવબંદ, સહારનપૂર કે હિન્દુસ્તાનનાં બીજાં અનુભવી મુફતીઓની સેવામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો. અને ત્યાંથી લખાઈને આવ્યું કે અમે આપનાં જવાબ સાથે પુરા સહમત છીએ. ઘણીવાર આપ પોતે પણ કોઈ ફતવાનો જવાબ લખી તસલ્લી ખાતર હકીમુલઉમ્મત હઝરત મૌલાના અશરફઅલી થાનવી (રહ.)ની ખિદમતમાં મોકલાવતાં હતાં. અને હઝરત જવાબમાં ફરમાવતાં કે 'હુ આપના જવાબ સાથે
સહમત છું. આપનાં ફતાવા સિવાય આપની બીજી અનેક ઈસ્લાહી નાની નાની કિતાબો પણ ગુજરાતી અને ઉર્દુમાં છપાઈને પ્રસિદ્ધ થઈ ચૂકી છે.
આપ જ્યારે કારી અને આલિમની સનદ મેળવી ફારિંગ થયાં ત્યાર બાદ આપને સાઉથઆફ્રિકાથી ડર્બનની જુમ્મઆ મસ્જિદ તથા બર્માથી રંગૂનની જુમ્મઆ મસ્જિદમાં પેશ ઈમામ તરીકે બોલવવામાં આવ્યાં. પણ આપે કદી મંજૂર કર્યું નહીં. અને રાંદેરમાં જ રહી ફતાવાની લાઈનથી દીન અને મિલ્લતની ખિદમત કરતાં રહ્યાં. આપ સૌપ્રથમ હકીમુલઉમ્મત હઝરત મૌલાના અશરફઅલી થાનવી (રહ.)થી બે'અત થયાં. જયારે આપે હઝરત પર થાનાભુવન એ વિષે કાગળ લખ્યો તો ત્યાંથી જવાબ આવ્યો કે, 'આપની ખિદમત કરવામાં મને કોઈ વાંધો નથી. પણ આપથી ખિદમત લેવાની સલાહિયત હું મારામાં જોતો નથી.' અને હઝરત યાનવી (રહ.)ની વફાત પછી આપ શેખુલ ઇસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની (રહ.)થી બે'અત થયાં.
અલ્લાહતઆલાએ આપને કોમમાં જે અપાર મકબૂલિયત અતા ફરમાવી છે તે પણ લાજવાબ છે. આપની મેહમાનનવાઝી પણ બેમિસાલ છે. આપનો તકવો અને પરહેઝગારી પણ અજોડ છે. આપની યાદશક્તિ પણ અજીબ અને હેરત પમાડનારી છે. આપનો સત્યોચ્ચાર પણ બેનમૂન છે. જયારે પણ અને જ્યાં પણ કોઈ ફિત્નાએ માથું ઊંચક્યું કે આપની કલમ રૂપી તલવાર મિયાનમાંથી બહાર આવી ગઈ. અને તેનો પીછો કરતી રહી. ચાહે તે બિદઅતોનો ફિત્નો હોય કે ગેરમુકલ્લિદોની ચાલબાજી હોય. ચાહે તો તે જૂઠાં પીરોનાં ઢોંગ-ધતૂરાં હોય કે મૌદૂદિય્યતની શરારત હોય.
આપનો ૨ રમઝાન હિ. સ. ૧૪રર અને ૧૮ નવેમ્બર ઈ. સ. ૨૦૦૧ નાં ઈતવારનાં દિવસે બપોરે લગભગ ૧૨ વાગે રાંદેરમાં ઈન્તિકાલ થયો છે. અને રાંદેરમાં તેજ રાત્રે તરાવીહ બાદ દફન થયાં છે. આપનાં જનાઝાની નમાજ હઝરત મૌલાના મુફતી આરિફ હસન સાહેબ (દા.બ.)એ પઢાવી હતી. અલ્લાહપાક આપના દરજાતને બુલંદ ફરમાવે. આમીન !












ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો