બુધવાર, 7 ઑગસ્ટ, 2024

મૌલાના મુહમ્મદ મિયાં (રહ.

                                                                મૌલાના મુહમ્મદ મિયાં (રહ..

આપ સૂફી સાહેબ (રહ.) ના મોટા પુત્ર થાય છે. આપની ગણના પણ લાજપુરના મહાન અને જય્યિદ આલિમોમાં થાય છે. આપ સ્વભાવે ઘણા જ નરમ, મિલનસાર અને સેવાભાવી હતા. આપનો જન્મ લાજપુરમાં આસરે ૧૨ ફેબ્રુઆરી ઈ.સ. ૧૮૪૭ માં થયો હતો. તાલીમનો આરંભ આપે લાજપુરમાં પોતાના વાલિદ સાહેબ પાસેથી જ કર્યો. લાજપુરમાં પ્રાથમિક શિક્ષણથી ફારિંગ થઈ વધુ તાલીમ અર્થે આપ ઉત્તર પ્રદેશ તશરીફ લઈ ગયાં. જ્યાં આપ ફિકહ, હદીસ અને તફસીર વગેરે વિષયોમાં તાલીમ પ્રાપ્ત કરી ખૂબ માહિર થયાં. આપની ઈલ્મી કાબિલિયત ઘણી જ ઊંચી હતી. જેનાં કારણે યુવાવસ્થામાં જ આપને મદ્રેસા જામિઅહ ઈસ્લામિયહ, ડાભેલમાં એક અરબી ઉસ્તાદ તરીકે રાખી લેવામાં આવ્યાં હતાં. જ્યાં આપે લગભગ પાંચ વરસ ખિદમત અંજામ આપી છે. અલ્લાહપાકે આપને તંદરૂસ્તી અને શારીરિક શક્તિ પણ ઘણી આપી હતી, કહેવાય છે કે, આપ દરરોજ પોતાનાં બે છોકરાને ખભા ઉપર બેસાડી પગપાળા મદ્રેસા જામિઅહ ઈસ્લામિયહ, ડાભેલમાં પઢાવવા માટે જતાં હતાં. જે લગભગ લાજપુરથી પાંચ માઈલના અંતરે આવેલો છે. અને સાંજે પાછા એ જ પ્રમાણે ઘરે તશરીફ લઈ આવતાં હતાં. પાંચ વર્ષ ડાભેલમાં પઢાવવા બાદ આપે પોતાનાં વાલિદ સાહેબની સેવામાં રહી લાજપુરમાં જ દીની ખિદમત આપવાનું શરૂ કર્યું. અને સુફી સાહેબનાં ઈન્તિકાલ પછી આપ તેમનાં જાનશીન બન્યાં. આપને વાલિદ સાહેબ તરફથી ઈજાઝત અને ખિલાફત પણ મળી હતી એ સિવાય સચીનનાં નવાબ તરફથી આપને આખા સચીન સ્ટેટના ‘મેરિજ રજિસ્ટરાર' નિકાહ અને એને લગતા મસાઈલનાં કાઝી પણ નીમવામાં આવ્યાં હતાં. નવાબ સાહેબ બંને ઈદોની નમાજ પણ આપનાં પાછળ જ પઢતાં હતાં. જેનાં માટે બંને ઈદો પર સવારે આપને લેવા માટે શાહી ઘોડાગાડી સચીનથી આવતી હતી આમ અનેક પ્રકારે અને અનેક ક્ષેત્રે દીની ખિદમત અંજામ આપી ૧૩ માર્ચ ઈ.સ. ૧૯૪૫ માં ૯૮ વર્ષની ઉમરે આપ અલ્લાહને પ્યારાં થઈ ગયાં. અલ્લાહપાક આપનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો