શનિવાર, 17 ઑગસ્ટ, 2024

મૌલાના ઈબ્રાહીમ ડાયા (રહ.)


                                                        મૌલાના ઈબ્રાહીમ ડાયા (રહ
આપનો જન્મ તારીખ ૧૭ સફર હિ.સ. ૧૩૩૭ અને ૨૨ નવેમ્બર ઈ.સ. ૧૯૧૮ માં લાજપુરમાં થયો હતો. આપનાં વાલિદ સાહેબનું નામ મુહમ્મદ હતું. જે નમાઝ-રોઝાનાં ઘણાં જ પાબંદ હતાં. અને ખેતી કરી જીવન-નિર્વાહ કરતાં હતાં. આપ પ્રાથમિક તાલીમ ગામમાં હાસિલ કરી વધુ તાલીમ અર્થે દારુલ ઉલૂમ જામિઅહ ઈસ્લામિયહ, ડાભેલમાં દાખલ થયાં. અરબીનાં પાંચ દરજા સુધી તાલીમ લેવા પછી તબિયત સારી ન રહેવાથી આપને મદ્રેસો છોડવા પર મજબૂર થવું પડ્યું. પણ દારુલઉલૂમ, ડાભેલમાં તાલીમ લેવા દરમિયાન આ૫ને મૌલાના અબ્દુલકદીર કેમલપૂરી સાહેબ (રહ.), મૌલાના ઈદરીસ સાહેબ સિખરોડી (રહ.), મૌલાના મુફ્તી ઈસ્માઈલ બિસ્મિલ્લાહ સાહેબ (રહ.) અને મૌલાના યૂસુફ બિન્નોરી સાહેબ (રહ.) પાસે કિતાબો પઢવાનો શર્ફ હાસિલ થયો. થોડી મુદ્દત ઘરે રહી તબિયત ઠીક થતાં આપ મદ્રેસા મત્લઉલઉલૂમ, હરીપૂરા, સૂરતમાં દાખલ થયાં. જ્યાં મિશ્કાત શરીફ અને જલાલેન શરીફ મૌલાના ગુલામ રસૂલ પંજાબી સાહેબ (રહ.)થી અને સિહાહે સિત્તહ મૌલાના અબ્દુલહન્નાન સાહેબ હઝારવી સાહેબ (રહ.)થી પઢવાનો મુબારક અવસર પ્રાપ્ત થયો. જાહિરી ઈલ્મથી ફારિંગ થઈ આપે બાતિની ઈલ્મ તરફ લક્ષ કેંદ્રિત કર્યું. અને શેખુલ ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની (રહ.)થી બે'અત થયાં. અને તેમની વફાત પછી તેમનાં સાહબઝાદા હઝરત મૌલાના અસઅદ મદની (દા.મ.)થી બે' અત થયાં. અને વફાત સુધી મૌલાનાએ બતાવેલા મા’મૂલાત પર પાબંદીથી અમલ કરતાં રહ્યાં.
સનદે ફરાગત હાસિલ કરવા બાદ આપે લાજપુર મદ્રેસામાં એક ઉસ્તાદ તરીકે તાલીમ આપવાનો આરંભ કર્યો. અને એ દરમિયાન પાંચ વરસ સુધી જુઆ મસ્જિદ લાજપૂરમાં ઈમામત અને ખતીબની સેવા પણ અંજામ આપતાં રહ્યાં. ઈ.સ. ૧૯૫૨ના ડિસેમ્બર માસમાં આપ કેટલાંક સાથીઓ સાથે ઈંગ્લેન્ડ તશરીફ લઈ ગયાં. પણ ત્યાંનું મોસમ અને દીની વાતાવરણ પસંદ ન આવતાં ૧૬ એપ્રિલ ઈ.સ. ૧૯૫૩ માં આપ ઈંગ્લેન્ડ છોડી સિંગાપોર ચાલ્યાં ગયાં. અને ત્યાંની એક મસ્જિદમાં ૧૦ વરસ ઈમામત તથા એક મદ્રેસામાં ૨૨ વરસ સુધી એક ઉસ્તાદ તરીકે દીની ખિદમત અંજામ આપતાં રહ્યાં. ત્યાંનાં લોકોને આપથી ઘણો જ ફાયદો થયો. ઘણી બિદઅતો અને વરસોનાં જૂનાં અને ખોટાં રીત-રિવાજોથી તૌબા કરી શરીઅતનાં પૂરા પાબંદ થઈ ગયાં.
આપ ઊંચી કક્ષાનાં ઉર્દુના એક શાયર પણ હતાં. આપની ઘણી ઉર્દુ અને ફારસી ના'તો અનેક ઉર્દુ માસિકોમાં છપાઈને શાયરીનાં શોખીનો તરફથી દાદ પણ મેળવી ચૂકી છે. એ સિવાય આપનાં ઘણા શેરો આજે પણ ગામવાસીઓના હોઠોં પર રમતાં જોવા મળે છે. આપ પોતે પણ પોતાનાં શેરો તરન્નુમ સાથે એક અજીબ કેફિયતનાં આલમમાં પઢતાં હતાં. પોતે પણ ઝૂમતા અને હાજરજનોને પણ ઝૂમવા પર મજબૂર કરી દેતાં હતાં. આપનાં ઈમાન અફરોઝ બે શેરોનો મીઠાશ માણતાં ચાલીએ

વો બેહદ ખુશનસીબ અફરાદ હેં હઝરત કી ઉમ્મતમેં
કે જો મશ્ગુલ હેં આઠોં પહર મિલ્લત કી ખિદમતમેં
ફઝીલત ઉનકી યૂં વારિદ હે ઈરશાદે નુબુવ્વતમે
રહેગી હક પે કાઈમ ઈક જમાઅત મેરી ઉમ્મતમેં મેં
મૌલાના ઘણાં જ ખુશમિજાઝ અને દુરદર્શી વ્યકિત હતાં. જે આપની મજલિસમાં એકવાર બેસી જતો તે કલાકો સુધી ત્યાંથી ઉઠવાનું નામ ન લેતો. આપની અભાનમાં મીઠાશ હતી.અને તબિયતમાં સામેવાળા સાથે મીઠી છેડછાડ કરી તેના મનને પ્રફુલિ તમામ સાથે સદન હતી, આપ ગામનાં બાળકો, નાનાં- મહા, અને જવાન-વૃધ્ધો તમામ સાથે તેમની ઉમર અને માન-મરતબાનો ખિયાલ રાખો ઈન્સાનિયત અને અદબની હદમાં રહી હસી-મજાક કરતાં હતાં. આપને હકીમુલઉમ્મત હઝરત મૌલાના અશરફઅલી થાનવી (રહ.) થી બેહદ અકીદત હતી. તેમનાં મલ્ફુઝાત, તેમનાં મવાઈઝ અને તેમની કિતાબોનું વાંચન આપનો પ્રિય મશગલો હતો. બીજા આલિમોને પણ આપ હઝરતની કિતાબો પઢવાનો આગ્રહ કરતાં રહેતાં હતાં. હક વાત કહેવી આપનો મુખ્ય ગુણ હતો. સાચી વાત કહેવાથી ન તો આપ ડરતાં હતાં અને ન તો શરમાતાં હતાં. શરીઅત અને સુન્તોનાં ચુસ્તપણે પાબંદ હતાં. અંગ્રેજી વાળ, લાંબા વાળ, અંગ્રેજી લિબાસ અને ટૂંકા કફની-કુર્તાથી આપને સખત નફરત હતી. નિસ્વાર્થ હતાં, મુખ્લિસ હતાં. દુનિયાની મુહબ્બતથી દિલ બિલ્કુલ ખાલી હતું. મૌલાના તેમની વફાતથી લગભગ એક અઠવાડિયા પહેલા જ સિંગાપોરથી લાજપૂર તશરીફ લઈ આવ્યાં હતાં. તબિયત કમજોર થઈ ચૂકી હતી. આવવા પછી એક દિવસ સવારે સૂરત હકીમ અજમેરી પાસે ઈલાજ અર્થે તશરીફ લઈ ગયાં. હજી ત્યાં બેઠાં જ હતાં કે આપને ગભરાટ શરૂ થયો. અને જોતજોતામાં ત્યાં જ અલ્લાહને પ્યારાં થઈ ગયાં. આપનાં મૈયતને સૂરતથી લાજપુર લાવવામાં આવ્યું. અને ગુસલ તથા કફનથી ફારિંગ થઈ મગરિબની નમાજ બાદ આપને જૂનાં કબ્રસ્તાનમાં મૌલાના મરગુબ અહમદ સાહેબ (રહ.)ના બાજુમાં દફન કરવામાં આવ્યાં. જનાઝાની નમાજ મૌલાના મુહમ્મદ રઝા અજમેરી (શેખુલહદીસ દારુલઉલુમ અશરફિય્યહ, રાંદોર)એ પઢાવી. અલ્લાહતઆલા આપનાં દરજાતને બુલંદ ફરમાવે. આમીન !


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો